ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે રક્ષાબંધનનો તહેવાર ગોઝારો થતો રહી ગયો હતો. સાબરકાંઠામાં આજે અકસ્માતની એક ઘટના સામે આવી હતી. જેમાં ખેડબ્રહ્માના બાવળકાઠીયા પાસે જીપ ડાલું પલટી જતા 25 થી 30 લોકોને ગંભીર ઇજા થવા પામી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે ટેમ્પોમાં લગભગ 30 જેટલા લોકો સવાર હતા. આ દરમિયાન કોઈ કારણોસર ટેમ્પોના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટેમ્પો પલટી ગઈ હતી.
ખેડબ્રહ્મામાં સ્વાધ્યાય પરિવાર ધ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણીનું આયોજન કરાયું છે. ત્યારે જીપ ડાલું બનાસકાંઠાના દાંતાના રાયણીયાથી ખેડબ્રહ્મા આવતા હતા. ત્યારે આ અકસ્માત થયો છે. જેમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે મટોડા CHC ખસેડાયા હતા. જ્યારે અમુક ગંભીર લોકોને વધુ સારવાર અર્થે ઈજાગ્રસ્તોને 108માં ખેડબ્રહ્મા ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ખેરોજ પોલીસે ઘટના સ્થળે પહોચી કાર્યવાહી હાથ ધરી હતી.
બીજી બાજુ અકસ્માતની આ ઘટનાને લઇ રોડ ઉપર સ્થાનિક લોકો અને રાહદારીઓના ટોળેટોળા જોવા મળ્યા હતા. તો થોડીવાર માટે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8