મોહસીન દાલ ગોધરા
ગોધરા તાલુકાના નદીસર ગ્રામ પંચાયતમાં વિવિધ વિકાસલક્ષી કામો વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૦ દરમિયાન અને ૩૩ કામો પૈકી ૧૯ જેટલા કામોમાં ગેરરીતિ આચરી ₹ ૪૮.૧૯ લાખ ચૂકવીને મોટાપાયે ભ્રષ્ટાચાર આચારનાર ૧૨ જેટલા લોકો સામે ગોધરા તાલુકા વિકાસ અધિકારીએ કાંકણપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જેની તપાસ પંચમહાલ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક પી.આર. રાઠોડ કરી રહ્યા હતા. જે સંદર્ભમાં પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચનાના આધારે પંચમહાલ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરી હતી. ત્યારે નદીસર ગ્રામ પંચાયતમાં ગેરરીતિ આચરનાર વધુ એક તલાટી કમ મંત્રી અમૃત પુનાભાઈ મછારને પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડ એ ઝડપી પાડી તેની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગોધરા તાલુકાના નદીસર ગ્રામ પંચાયતમાં સરકાર દ્વારા વિવિધ વિકાસલક્ષી યોજનાઓમાં ૧૪માં અને ૧૫માં નાણાંપંચ ના ગ્રામ્ય કક્ષાએ વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૦ દરમિયાન ૩૩ જેટલા કામો પૈકી ૧૯ જેટલા કામોમાં ગેરરીતિ આચરી રૂ.૪૮,૧૯,૬૬૧/- ની ઉચાપત કરી હતી. જેમાં નિવૃત નાયબ કાર્યપાલક ઇજનેર, નિવૃત્ત અધિક મદદનીશ ઇજનેર, તાત્કાલિન સમયના ચાર તલાટીઓ, તત્કાલીન સમયના ચાર અધિક મદદનીશ ઇજનેરો, તત્કાલીન સમયના સરપંચો સહિત ૧૨ જેટલા લોકો સામે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.નદીસર ગ્રામ પંચાયતમાં મોટાપાયે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ તલાટી કમ મંત્રી અમૃત પુનાભાઈ મછારને પેરોલ ફર્લો ની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.હજુ પણ દસ જેટલા આરોપીઓ પોલીસની ગીરફતથી દૂર છે.