ખેડા જિલ્લાની મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ એક સ્ફોટક નિવેદન આપતા ખેડા જિલ્લાના ખાણ અને ખનીજ વિભાગ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યાં છે. ખેડા કલેક્ટરની હાજરીમાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ કલેક્ટરને કહ્યું કે તેમના વિસ્તારમાં ખાણ અને ખનીજ વિભાગ જ ભૂમાફિયાઓને રક્ષણ પૂરું પાડે છે.
ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ કલેક્ટરને લેખિત રજૂઆતમાં કહ્યું કે તેમના મતવિસ્તારમાં રેતી માફિયાઓ અને માટી માફિયાઓ ગેરકાયદેસર રીતે ખનન કરી રહ્યાં છે.ખેડા જિલ્લાના ખાણ અને ખનીજ વિભાગ દ્વારા આ રેત માફિયાઓ અને માટી માફિયાઓને રક્ષણનું કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ કારણે ભુમાફીયા તેમજ ખનન માફીયા બેફામ બન્યા છે.
આ સાથે ધારાસભ્ય મહિડાએ આરોપ લગાવ્યો છે કે તેમના મતવિસ્તારમાંથી પસાર થતી શેઢી નદીમાં ટેન્કરો આવી કેમિકલ કચરો ઠાલવી રહ્યાં છે અને નદીને દુષિત કરી રહ્યાં છે. અસામાજિક તત્વો દ્વારા બહારથી આ કેમિકલ ટેન્કરો લાવી શેઢી નદીમાં ઠાલવવાનું મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે. ધારાસભ્યએ તાત્કાલિક ધોરણે આ પ્રવૃત્તિ બંધ કરાવવા ખેડા કલેક્ટરને રજૂઆત કરી છે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8