પાટણ. અલ્કેશ પંડ્યા
પાલનપુર ડીસા હાઈવે ઉપર ચડોતર ગામ નજીક ગત રાત્રે અમદાવાદના સોના-ચાંદીના વેપારીની કારને આંતરી 6 કિલો 92.87 ગ્રામના સોનાના દાગીના તથા પાંચ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 3,18,51,680 ની સનસનાટી ભરી લૂંટની ઘટના બની હતી. લૂંટારૂ ટોળકીને ઝડપી પાડવા બનાસકાંઠા સાથે પાટણ પોલીસ પણ કામે લાગી હતી અને પાટણ એલસીબી હારીજ અને વાગડોદ પોલીસે પાટણ જિલ્લાના સમી હારીજ પંથકના ગામડાઓ ખૂંદી કરોડો રૂપિયાની લૂંટની ઘટનાને અંજામ આપનાર પાટણ અને બનાસકાંઠા જિલ્લાના છ જણાની લૂંટારૂ ટોળકીને ઝડપી લીધી હતી. અને તેઓની પાસેથી સોનાના દાગીના, ટોયોટા કોરોલા ગાડી ,મોબાઈલ ફોન મળી 1,74, 11,286 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે અમદાવાદના વેપારીને ત્યાં નોકરી કરતો અને બે મહિના અગાઉ નોકરી છોડી લૂંટની ઘટનાનો પ્લાન ઘડનાર મુખ્ય સૂત્રધાર રબારી સાગર રેવાભાઇ (રહે.રાનેર તાલુકો કાંકરેજ) તથા અન્ય એક સાથીદાર ફરાર હોય પોલીસે વિવિધ ટીમો બનાવી તેઓને ઝડપી પાડવા આશ્રય સ્થાનોની તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠામાં થયેલ ચકચારી લૂંટનો ભેદ ઉકેલયો
અમદાવાદની ઋષભ જ્વેલર્સના માલિક ઋષભભાઈ જૈનના ત્રણ માણસો ગઈકાલે સ્વીફ્ટ કારમાં સોનાના દાગીના લઈ પાલનપુર -ડીસા આવ્યા હતા અને પરત અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે સાંજના 7:30 કલાકના સુમારે ગોલ્ડન કલરની ટોયોટા કોરોલા ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સોએ ફરિયાદી અશોકભાઈ બાબુભાઈ દેસાઈ (રહે. અમદાવાદ ચાંદખેડા) ની કાર આંતરી હતી અને ઉભી રખાવી હતી અને છરી બતાવી કેટલાક શખ્સો એ અંદર બેસી જઈ ગડદા પાટુનો માર મારી ધમકીઓ આપી હતી. કારના ગુપ્ત ખાનાઓમાં રાખેલ સોના ચાંદીના દાગીના 6 કિલો 92.87 ગ્રામ જેની કિંમત 3,18, 26,680 તથા ₹25,000 ના 5 મોબાઈલ ફોન કુલ રૂપિયા 3, 18,51,680 ની લૂંટ કરી પલાયન થઈ ગયા હતા.
સન સની લૂંટને પગલે પોલીસ દ્વારા નાકાબંધી કરાઈ
સંનસનાટી ભરી આ લૂંટની જાણ થતા બનાસકાંઠા પોલીસે નાકાબંધી કરી હતી દરમિયાન જાણવા મળેલ કે આ લૂંટારાઓ પાલનપુર સિધ્ધપુર તરફ ભાગેલ છે જેથી પાટણ જિલ્લા પોલીસ પણ સતર્ક બની નાકાબંધી કરી એલસીબી, એસઓજી સહિતની વિવિધ ટીમો કામે લાગી હતી આ સમયે વાગડોદ પીએસઆઇ લીમ્બચીયાએ પાટણ એલસીબી પી.આઇ. આર કે અમીનને માહિતી આપેલ કે વદાણી ખાતે એમડી ઓટો વાળાએ એક કોરોલા ગાડી નંબર gj 24 aq6341 ચૌધરી રોહિતભાઈ દેવરાજભાઈ (રહે.રોડા તા. હારીજ) ને વેચાણ આપેલ છે. આથી તે દિશામાં તપાસ કરવી જરૂરી છે જે આધારે પાટણ એલસીબી પીઆઇ આર કે અમીન, પીએસઆઇ એ આર પટેલ હારીજ પીએસઆઇ આર કે પટેલ, એએસઆઈ બસર ખાન સહિતના સ્ટાફ રોડા ગામે ચૌધરી રોહિતભાઈ દેવરાજભાઈ ની તપાસ કરતા તે મળી આવેલ નહીં અને તેઓના આશ્રયસ્થાનો હારીજ તાલુકાના કાતરા, સમી તાલુકાના પાલીપુર, સરસ્વતી તાલુકાના કિમ્બુવા ,એદલા ગામે રાત્રિના સમયે દરોડા પાડી લૂંટના ગુનામાં સંડોવાયેલા રબારી કમલેશ મોહનભાઈ (રહે.એદલા જિ. પાટણ) ચૌધરી રોહિત દેવરાજભાઈ (રહે.રોડા જી. પાટણ ) જોશી વિપુલ દેવચંદભાઈ (રહે. ટીમ્બિ જી.બનાસકાંઠા) ગોહિલ રમેશ શંકરલાલ (રહે. ખીમાણા જી.બનાસકાંઠા) દેસાઈ આનંદ ઉર્ફે દેવજી ભલાભાઇ (રહે.તાતીયાણા જિ. બનાસકાંઠા) અને હિતેશ કનુભાઈ વઢેર (રહે.પાલીપુર જી. પાટણ) ને ઝડપી લીધા હતા અને તેઓની પાસેથી 1,74,11, 286 ની કિંમતના 2,901,881 kg ના સોનાના દાગીના ગુનામાં વપરાયેલ ટોયોટા કોરોલા ગાડી કિંમત રૂપિયા 3 લાખની તેમજ 26,000 ના મોબાઈલ સાત, ચાકુ નંગ એક મળી કુલ રૂપિયા1,77, 37,336 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મુખ્ય સૂત્રધાર ફરાર
આ લૂંટની ઘટનાનો પ્લાન ઘડનાર મુખ્ય ટીપ આપનાર સૂત્રધાર રબારી સાગરભાઇ રેવાભાઇ રહે.રાનેર જીલ્લો બનાસકાંઠા અને રબારી સુરેશભાઈ અમરતભાઈ રહે.જગરાલ જીલ્લો પાટણ ફરાર હોય તેઓને ઝડપી પાડવા પોલીસની વિવિધ ટીમો કામે લાગી છે.
જ્વેલર્સે માં નોકરી કરનારે જ લૂંટનો પ્લાન બનાવ્યો
અમદાવાદના ઋષભ જ્વેલર્સ માં રબારી સાગરભાઇ રેવાભાઇ રાનેર તાલુકો કાંકરેજ નોકરી કરતો હતો અને સોના ચાંદીના દાગીનાની લે વેચ થી તે વાકેફ હતો તેને બે મહિના અગાઉ નોકરીમા થી છૂટો કરવામાં આવ્યો હતો પરંતુ વેપારીની ગતિવિધિથી વાકેફ હોય પોતાના અન્ય સાગરીતો નો સંપર્ક કરી લૂંટનો આ પ્લાન ઘડ્યો હતો અને ગત રાત્રે ઘટનાને અંજામ આપ્યો હોવાનું પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું .