મોહસીન દાલ ગોધરા
સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં વાજતે ગાજતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. બાળ કૃષ્ણના હાથે મટકી ફોડવામાં આવતા મંદિર પરિસર ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. આજે જાહેર રજામાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ મહાકાળી માતાજીના દર્શને આવ્યા હતા. તમામ યાત્રાળુઓ પણ આ ઉત્સવના સહભાગી બન્યા હતા. મહાકાળી માતાજીની પૂજા, આરાધના કરી ઢોલ નગારા સાથે વાજતે ગાજતે માતાજીની પાદુકા માથે લઈ મંદિરની પ્રદક્ષિણા કરવામાં આવી હતી. તો બાળ કૃષ્ણના હાથે મટકી ફોડવામાં આવતા માઈ ભક્તો કૃષ્ણ ભક્તિમાં લિન બન્યા હતા.
મહાકાળી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા જન્માષ્ટમીની પૂજા કરવામાં આવી હતી અને ધામધૂમથી અત્રે આવેલા માઇભક્તો સાથે જન્મોત્સવ ઉજવાતા ભક્તો પણ મટકી ફોડ કાર્યક્રમ પછી માતાજીના ગરબા રમવા જોડાયા હતા. સમગ્ર ઉજવણી દરમિયાન ભક્તો નંદ ઘેર અનંદ ભયો જય કનૈયા લાલ કી.. ના નાદ સાથે ઝૂમી ઉઠતા સમગ્ર મંદિર પરિસર આજે કૃષ્ણમય બન્યું હતું.