રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં વહેલી સવારે એક મોટો રોડ અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે જેમાં રસ્તામાં સાઈડ પર ઉભેલી બસને ટ્રકે ધડાકાભેર ટક્કર મારી હતી, આ બસમાં મુસાફરી કરી રહેલા 11 લોકોના કરૂણ મોત થયા છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ દુર્ઘટનામાં સંખ્યાબંધ લોકો ઘાયલ પણ થયા છે, આ તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
મુસાફરોથી ભરેલી બસ ગુજરાતથી મથુરા તરફ જઈ રહી હતી
મળતી માહિતી મુજબ મુસાફરોથી ભરેલી બસ ગુજરાતથી મથુરા તરફ જઈ રહી હતી. જયપુર-આગ્રા હાઈવે પર નાદબાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયપુર આગ્રા નેશનલ હાઈવે પર હંતારા પુલ પર બસમાં અચાનક કોઈ ખામી સર્જાઈ હતી, ખામી સર્જાતા ડ્રાઈવરે બસ ઊભી રાખી અને તેને રીપેરીંગ કરી રહ્યો ત્યારે ત્યાં જ પૂરપાટ વેગે આવતી ટ્રકે પાછળથી બસને ટક્કર મારી હતી.
બસ ભાવનગરથી મથુરા જઈ રહી હતી
પોલીસે જણાવ્યું કે આ બસ ગુજરાતના ભાવનગરથી જયપુર અને ભરતપુર થઈને ઉત્તર પ્રદેશના મથુરા જઈ રહી હતી. આ અકસ્માત સવારે 5 વાગ્યાની આસપાસ થયો હતો. મૃત્યુ પામેલાઓમાં છ મહિલાઓ અને પાંચ પુરૂષો હતા. તમામ મુસાફરોને એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ 11 લોકોને મૃત જાહેર કર્યા. 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, તેમની સારવાર ચાલી રહી છે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU