બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં એક અનુસૂચિત યુવક પર અત્યાચારની ઘટના સામે આવી છે. આ યુવક એક કંસ્ટ્રક્શન કંપનીમાં સિવિલ એન્જીનીયર તરીકે નોકરી કરે છે. કંપનીના ગોડાઉનમાં થતી ડીઝલ ચોરીનો આરોપ મૂકી સાથે કામ કરનારા 6 જેટલા યુવકોએ જાતિ વિરુદ્ધ અપશબ્દો કહી માર માર્યો હતો અને પરાણે ચોરીની કબૂલાત કરાવી વિડીયો ઉતારી લીધો હતો.
પાલનપુરમાં પાર્થ નામનો યુવાન જીપીસી કંપનીમાં સિવિલ એન્જીનીયર તરીકે નોકરી કરે છે. પોલીસને આપેલા નિવેદનમાં તેણે જણાવ્યું હતું કે ગત તારીખ 28ના રોજ તેની સાથે કંપનીમાં કામ કરનારા વિશ્વદીપ સચિન અને ધાર્મિક ચૌધરી જન્મદિવસની ઉજવણીના બહાને તેને બોલેરો ગાડીમાં બેસાડી ઘરેથી લઇ ગયા હતા.
વિશ્વદીપ સચિન અને ધાર્મિક ચૌધરી પાર્થને આરટીઓ પાસે બ્રિજનું કામ ચાલુ છે ત્યાં લઇ ગયા હતા, જ્યાં આકાશ ચૌધરી, વિકાસ ચૌધરી, રમેશ ચૌધરી અને નિકૂલ ચૌધરી હાજર હતા. આ લોકોએ કંપનીના ગોડાઉનમાં ડીઝલની ચોરીમાં પાર્થનો હાથ હોવાનું કહી તેને જાતિ વિરુદ્ધ અને મા-બહેન સંબંધી અપશબ્દો કહી મારા માર્યો હતો. આ લોકોએ પાર્થના પગ બાંધી પરાણે ડીઝલ ચોરીની કબૂલાત કરાવી હતી અને તેનો વિડીયો ઉતારી પરત ઘરે મૂકી ગયા હતા.
પાર્થ ઘરે આવતા તેની માતા અને બહેનને હકીકત જણાવી હતી અને હાથ-પગના ભાગે ગંભીર ઈજાઓ થઇ હોવાથી પરિવારજનો-સંબંધીઓ દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે આ ઘટનામાં ભોગ બનનાર યુવકના નિવેદનના આધારે પાલનપુરમાં રહેતા આ 6 આરોપીઓ સામે એટ્રોસિટી સહિત ગુના સંબંધિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો છે –
1) ધાર્મિક ચૌધરી
2) વિશ્વદીપ સચિન
3) આકાશ ચૌધરી
4) વિકાસ ચૌધરી
5) રમેશ ચૌધરી
6) નિકૂલ ચૌધરી