ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ થનારા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે નિર્વાણી અખાડા (Nirvani Akhara)ના મંહત ધર્મદાસે (Mahant Dharamdas) એક મોટી જાહેરાત કરતા કહ્યું કે જે રામલલાની મૂર્તિની તરફેણમાં ચુકાદો આવ્યો એ જ મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવે. હવે આ જાહેરાત બાદ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ટ્રસ્ટની મુશ્કેલી વધી શકે છે.
મહંત ધર્મદાસની જાહેરાતથી ટ્રસ્ટની મુશ્કેલી વધી શકે
રામલલાના નામ પર કેસ દાખલ કરનાર નિર્વાણી અખાડાના મહંત ધર્મદાસની જાહેરાતથી ટ્રસ્ટની મુશ્કેલીઓ વધી શકે છે. તેમણે કહ્યું છે કે ‘રામ જન્મભૂમિ (Ramjanmabhoomi) કેસનો નિર્ણય 70 વર્ષથી ચાલી રહેલી જે રામલલાની મૂર્તિની તરફેણમાં આવ્યો છે. તેથી તે જ મૂર્તિને ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવે. આ મૂર્તિ સિવાય ગર્ભગૃહમાં કોઈ બીજી મૂર્તિ સ્થાપિત ન થઈ શકે. જો આવું થશે તો તે ગેરકાયદે ગણાશે અને હું તેની સામે કેસ કરીશ અને બહાર પણ સંઘર્ષ થશે.’
ત્રણ નવી મૂર્તિમાંથી એક મૂર્તિની પસંદગી કરાઈ
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપના માટે ત્રણ નવી મૂર્તિઓ બનાવી હતી, જેમાંથી એક મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. હાલ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાની વિધિ ચાલી રહી છે. આ મૂર્તિને લઈને વિરોધ થઈ રહ્યો છે. જો કે, ટ્રસ્ટે સ્પષ્ટતા કરી દીધી છે કે ‘રામલલાની જૂની મૂર્તિને પણ ગર્ભગૃહમાં સ્થાન અપાશે.’ જો કે નિર્વાણી અખાડાના મંહત ધર્મદાસ સિવાય જ્યોતિષપીઠના શંકરાચાર્યએ પણ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષને પત્ર લખીને આ મુદ્દો ઉઠાવ્યો છે.
શંકરાચાર્યએ પણ પત્રમાં કહી આ વાત
શંકરાચાર્ય (Shankaracharya)એ પત્રમાં લખ્યું હતું કે ‘બુધવારે સમાચાર માધ્યમો દ્વારા જાણવા મળ્યું હતું કે રામલલાની મૂર્તિને વિશેષ સ્થાનેથી રામ મંદિર પરિસરમાં લવાઈ છે. તેની પ્રાણ પ્રતિષ્ઠા નિર્માણધીન મંદિરના ગર્ભગૃહમાં થવાની છે. એક ટ્રક પણ બતાવવામાં આવી હતી જેમાં મૂર્તિ લાવવામાં આવી હોવાનું જણાવાયું હતું. તે પરથી એ અંદાજ લગાવી શકાય છે કે નવનિર્મિત શ્રી રામ મંદિરમાં નવી મૂર્તિ સ્થાપિત કરાશે, જ્યારે શ્રી રામલલા તો પહેલેથી જ પરિસરમાં હાજર છે.’