વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના બની છે. વાઘોડિયાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો બોટમાં સવારી કરી રહ્યાં હતા તે દરમિયાન બોટે પલટી મારી હતી. જેમાં 14 લોકોનાં મોત થયા છે. 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકના મોત થયા હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે. બોટમાં 23 વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકો સવાર હતા.
અન્ય વિદ્યાર્થીઓને બચાવવાની કામગીરી જારી
મળતી માહિતી પ્રમાણે વડોદરમાં આવેલા હરણી તળાવમાં ગુરૂવારે વિદ્યાર્થીઓ બોટિંગ કરી રહ્યા હતા. ત્યારે એકાએક બોટે પલ્ટી મારી હતી. આ બોટમાં 20થી વધુ લોકો સવાર હતા. જેમાં બે શિક્ષક સહિત 14 લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
Gujarat: Boat capsizes in Vadodara’s lake, 10 rescued
Read @ANI Story | https://t.co/WTqGihuz89#Vadodara #HarniMotnathLake #BhupendraPatel pic.twitter.com/k2RbMZDJWt
— ANI Digital (@ani_digital) January 18, 2024
વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ વગર બોટમાં બેસાડવામાં આવ્યા હતા
વડોદરાની ન્યૂ સનરાઈઝ શાળાના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓને બોટમાં બેસાડીને તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો. ત્યારે એકાએક બોટ ઉંધી વળી ગઈ હતી. પરિણામે વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબ્યા હતા. આ બોટમાં 20થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. મહત્ત્વની વાત એ છે કે, આ વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ વગર બોટમાં બેસાડવામાં આવ્યા હતા.
ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે
બીજી તરફ આ બનાવની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક તરવૈયાની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અન્ય વિદ્યાર્થીઓને બચાવવાની કામગીરી હાથ ધરી છે.
વડોદરાની ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.
આજે બોટિંગ દરમિયાન ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને ક્ષમતા કરતા વધારે પ્રમાણમાં બેસાડવામાં આવતા બોટ પલટી જતા બાળકો ડૂબી ગયાની ઘટના બનવા પામી છે. ફાયર બ્રિગેડને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી
આ ઘટના અંગે હાજર રહેલા શિક્ષકોએ કોન્ટ્રાક્ટર પર આક્ષેપો કર્યા હતા કે, બોટની કેપેસિટી 10થી 12 બાળકોની હોવા છતાં તેઓએ 20થી 25 બાળકો એક જ બોટમાં બેસાડતા વજન વધી જતા આ બનાવ બન્યો છે. તેઓને ના પાડવા છતાં વધુ બાળકો બેસાડ્યા હતા. ત્યારે હવે સવાલ એ થાય છે કે આ ગંભીર બેદરકારીની જવાબદારી કોણ સ્વીકારશે?
તંત્ર જવાબ આપે, હજુ મોરબીના ઝુલતા પુલની ઘટનાના આંસુ સુકાયા નથી ત્યાં વડોદરામાં બાળકો ડુબ્યા છે, તંત્રએ શા માટે ન ડુબી મરવું જોઈએ? મોરબી બ્રીજની દુર્ઘટના બાદ પણ આ પ્રકારની લાલિયાવાળી ચાલી રહી છે એનું ધ્યાન તંત્ર નહીં રાખે તો કોણ રાખશે?
વિકાસના નામે ખાનગી એજન્સીઓને કોન્ટ્રાક્ટ તો આપી દેવાય છે, પરંતુ એ કોન્ટ્રાક્ટરો નિયમોનું પાલન કરે છે કે પછી તેને ઘોળીને પી જાય છે એ તો આવી દુર્ઘટનાઓ બાદ જ જાણવા મળે છે. આ દુર્ઘટના સરકારના ગાલ પર બીજો તમાચો છે કારણ કે હજુ મોરબીની દુર્ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવી ચૂકેલા લોકોના આંસુ સુકાયા નથી ત્યાં, આ પ્રકારની બીજી ઘટના બનવા પામી છે એ એક હદે તો તંત્રની નિષ્ફળતા જ કહી શકાય.
ખૂબ જ દુઃખદ છે કે આંધળા વિકાસની મજા માણવા ગયેલા ભૂલકાઓ ક્યાં જાણતા હતા કે તેમને મોત મળશે? હવે આ ઘટનાના આરોપીઓ પર ક્યાં સુધીમાં અને કેટલી ઝડપથી કાર્યવાહી કરવામા આવે છે એ જોવું રહ્યું.
તો આ તરફ એક અહેવાલ પ્રમાણે કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે, બાળકોને વધારે બેસાડ્યા ન હતા સાથે-સાથે સેફ્ટીના જેકેટ પણ બાળકોને પહેરવવામાં આવ્યા હતા. જો ખરેખર આમ હતું તો આ દુર્ઘટના બની તો બની કેવી રીતે, લાઈફ જેકેટો પહેરાવ્યા હતા તો આટલી જિંદગીઓ ડૂબી કેવી રીતે…?