Kamal nath may join bjp: ઘણા દિવસોથી મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથ ભાજપમાં જોડાવવાની અટકળો ચાલી રહી હતી. જો કે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ એવી પણ ચર્ચા હતી કે કમલનાથ કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ છે. હવે તે તમામ અટકળોએ જોર પકડ્યું છે અને માનવામાં આવે છે કે કમલનાથ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. તેમની સાથે તેમનો દીકરો નકુલનાથ પણ ભાજપમાં જોડાઈ શકે છે. હાલ તો માત્ર વાતો છે, પરંતુ કમલનાથ પાસે કોંગ્રેસથી નારાજ થવાના ઘણા કારણો છે. વિધાનસભા ચૂંટણીમાં હારઅને ત્યાર બાદ સંગઠનમાં પણ કોઈ મોટું પદ તેમને નથી આપવામાં આવ્યું. એવી ઘણી બાબતો છે જે કમલનાથને પરેશાન કરી રહી હતી.
વિધાનસભા ચૂંટણીમાં હાર માટે માત્ર કમલનાથ જ જવાબદાર
આ વખતે મધ્યપ્રદેશની ચૂંટણીમાં ભાજપને જંગી જનાદેશ મળ્યો છે. ભાજપની ભવ્ય જીતથી રાજ્યમાં કોંગ્રેસ બેકફુટમાં આવી ગઈ હતી. રાજ્યમાં સમગ્ર જવાબદારી તેમના પર નાખવામાં આવી હતી. આવામાં હારનું ઠીકરું પણ તેમની પર જ ફોડવામાં આવ્યું. આ ઉપરાંત, સપા અને ઉદ્ધવ જૂથની શિવસેનાએ પણ તે હાર માટે કમલનાથને જવાબદાર ઠેરવ્યા હતા. પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડે તેમનો બચાવ ન કર્યો હોવાથી પૂર્વ સીએમને કોંગ્રેસ હાઈ કમાન્ડથી નારાજ હોવાનું કહેવાય છે.
પ્રમુખ પદ છીનવી લેવામાં આવ્યું
મધ્યપ્રદેશમાં અધ્યક્ષના રૂપમાં કમલનાથ પાસે માત્ર એક જ મોટું પદ હતું. તે પદને કારણે તેઓ રાજ્યના રાજકારણમાં સક્રિય રહેતા હતા. પરંતુ એમપીમાં કારમી હાર બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે કમલનાથ પર રાજીનામું આપવાનું દબાણ હતું. અને રાહુલ ગાંધીના(Rahul gandhi) નજીકના જીતુ પટવારીને(Jitu Patvari) કમાન સોંપવામાં આવી ત્યારે સ્થિતિ એકદમ સ્પષ્ટ થઈ ગઈ કે હાઇકમાન્ડ પર તેમનાથી નારાજ છે.
મોટા પદની ઈચ્છા
એ વાત કોઈથી છુપી નથી કે 2018 સુધી કમલનાથને કેન્દ્રીય રાજકારણમાં સક્રિય હતા. તેઓ રાષ્ટ્રીય રાજકારણમાં પોતાની હાજરીનો અહેસાસ કરાવતા હતા. પરંતુ 2018માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેમને મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યા હતા અને ત્યારથી તેઓ ત્યાં જ અટવાયા હતા. બાદમાં જ્યારે ચૂંટણીમાં હાર થઈ ત્યારે કહેવાયું હતું કે કોંગ્રેસ ફરી કમલનાથને દિલ્હીની રાજનીતિમાં આમંત્રિત કરશે. પરંતુ એવું ન થયું.
રાજ્યસભાની ટિકિટ મળી નથી
આ વખતે યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં સોનિયા ગાંધીએ રાજસ્થાનથી ઉમેદવારી નોધાવીછે. ત્યારે પાર્ટીએ દિગ્વિજય સિંહના નજીકના ગણાતા અશોક સિંહને એમપીમાંથી રાજ્યસભામાં મોકલવાની જાહેરાત કરી. એવું માનવામાં આવે છે કે આ અવગણનાથી કમલનાથ પણ નારાજ થયા હતા.
દિગ્વિજય સિંહ સાથે વિવાદ
મધ્ય પ્રદેશ કોંગ્રેસમાં લાંબા સમયથી બે જૂથો સક્રિય છે – એક કમલનાથનું જૂથ છે અને બીજુ દિગ્વિજય સિંહનું જૂથ છે. હવે તો વિધાનસભાની ચૂંટણી વખતે પણ ઉમેદવારોને લઈને બંને નેતાઓ વચ્ચે ઘણી વખત વાક્યુદ્ધ ચાલતું જ હતું. કમલનાથ જૂથના નેતાઓનું માનવું છે કે પૂર્વ સીએમ વિરુદ્ધ પાર્ટીની અંદર જે વાતાવરણ સર્જાયું છે તેના માટે દિગ્વિજય સિંહ કોઈને કોઈ રીતે જવાબદાર છે.