- ફક્ત કોંગ્રેસના સિમ્બોલ પર ભરૂચ લોકસભા ઉમેદવાર જોઈએ- પરિમલસિંહ રણા
- ઇન્ડિયા એલાયન્સ ગઠબંધન જે નક્કી કરે તે માન્ય- ચૈતર વસાવા, લોકસભા ઉમેદવાર
ભરૂચ: દેશભરમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસારમાં જાહેરમાં અને ખાનગીમાં લાગી ચુકી છે. ચૂંટણી આવતા જ લોકસભા લડવા ઇચ્છુક ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવવા ખડેપગે તૈયાર થઈ બેઠા છે. ત્યારે ભરૂચ લોકસભામાં એક નવી જ રાજનીતિએ જોર પકડ્યું છે.
લોકસભાની ચૂંટણીઓ અંગે ઈન્ડિયા ગઠબંધન દ્વારા ભરૂચ બેઠક પર ડેડીયાપાડા ધારાસભ્ય એવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાની સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે. જેના કારણે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓમાં વિરોધનો સુર ઉભો થયો છે. જેના ભાગરૂપે ગતરોજ કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા અને પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા સહિત કોંગી આગેવાનોએ ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ઉમેદવાર ચાહે કોઈપણ હોય પણ ફક્ત કોંગ્રેસના ચિન્હ પર જ ચૂંટણી લડવાની રજૂઆતો કરી હતી. ભરૂચ લોકસભાની ચૂંટણીને લઈ ગઠબંધનના નિર્ણયને લઈ ઉભી થયેલ પરિસ્થિતિ થકી કોંગ્રેસના જુના આગેવાનોને ભારે ઠેશ પહોંચી છે. ભરૂચ લોકસભાની બેઠક પર હંમેશા કોંગ્રેસના આગેવાનો અને નેતાઓ ચૂંટણી લડતા આવ્યા છે ત્યારે આ બેઠક આપને ફાળવી દીધી છે તે ગેરસમજ છે. આ બેઠક અંગે આપને ફાળવવા આવેલી બેઠક અંગે મોવડી મંડળે ફરી વિચારણા કરવાની જરૂર છે. વધુમાં ગઠબંધનમાં જે ઉમેદવાર હોઈ તે પરંતુ તે કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડવો જોઈએ તો અમે તેમને સમર્થન આપવા તૈયારી બતાવી હતી.
જ્યારે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાએ આ અંગે પ્રદેશ કક્ષાએ ચર્ચા કરવાનું જણાવ્યું હતું. ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડવાની માંગ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના આગેવાનોની માંગણીને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરીશ અને મોવડી મંડળ જે કહેશે તે મુજબ ચૂંટણી લડીશું. જ્યારે રાહુલ ગાંધીના નિવેદન અંગે જણાવ્યું હતું કે, જે ટિપ્પણી કોઈની લાગણી દુભાઈ એવી ન હતી અમારી લડાઈ ખાલી માત્ર ભાજપને હરાવી લોકતંત્રને બચાવવા માટેની છે.
બીજી તરફ ગઠબંધનના નિર્ણયને લઈ કોંગ્રેસીઓ ભારે નારાજ નજર આવ્યા હતા અને કોંગી આગેવાન સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ મોવડી મંડળ કોંગ્રેસીઓને લાગણી અને માંગણીને ધ્યાને લઇ કોંગ્રેસી ઉમેદવારને ટીકીટ ફાળવે અન્યથા આગામી સમયે કોંગ્રેસીઓ નક્કર પગલાં ભરસે. ત્યારે આવી ચીમકીઓ બાદ પ્રદેશકક્ષાએથી કોંગ્રેસીઓની વાતને ધ્યાને લેવામાં આવશે કે નહીં તે તો આવનાર સમયે જાહેર થશે પણ હાલ તો ભરૂચની રાજકીય રમતમાં કોંગ્રેસ અને આપની આંતરિક લડતમાં ભાજપને સીધો ફાયદો નજરે ચઢે છે.
વર્ષ ૧૯૮૯ થી આજદિન સુધી કોંગ્રેસ લોકસભા પર પોતાનું મતદાતાનો વિશ્વાસ સાબિત કરી શક્યું નથી. જિલ્લાની વિધાનસભાઓ જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકા, સહકારી ક્ષેત્રે જિલ્લા કોંગ્રેસનું પ્રદર્શન નબળું રહ્યું છે. આંતરિક દખાઓ અને હું નહિ તો કોઈ નહિ ની નીતિઓ થકી કોંગ્રેસને જે ધોબી પછાડ હારનો સામનો કરવો પડ્યો છે તે બધા જ જાણે છે. ત્યારે આવા સમયે જિલ્લા કોંગ્રેસની હઠ કામે આવશે કે પછી ઇન્ડિયા એલાયન્સ જે નક્કી કરે તે સ્વીકારવુ અને લોકસભા ચૂંટણીના કામે લાગવું તે જોવું રહ્યું.
કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની પ્રેસ કોંફરન્સ દરમિયાન રહેલ ગેરહાજરી અને કોંગ્રેસનું ભરૂચ શહેરમાં પોતાનું કાર્યાલય હોય છતાં ઝાડેશ્વર ખાતેના સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોંફરન્સ યોજવી તે સૂચવે છે કે કોંગ્રેસમાં કઈ નવાજૂની થવાના એંધાણ સર્જાઈ રહ્યા છે. સહકારી આગેવાન અને કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ ચીમકી ઉચ્ચારી હતી કે મોવડી મંડળ અમારી વાત નહિ સ્વીકારે તો નવાજૂની થશે જેનો રાજકીય મતલબ થાય છે કે કદાચ નારાજ કોંગ્રેસીઓ લોકસભા ચૂંટણીમાં અપક્ષ રીતે લડત લડે અથવા તો કેસરિયો ધારણ કરે.
આપના ઉમેદવાર ચૈતર વસાવા નામના લોકસભા ઉમેદવારની જાહેરાતના વિરોધમાં કોંગ્રેસના નેતાઓની પ્રેસ કોંફરન્સના સમયે ઇન્ડિયા એલાયન્સ અને આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા ઉમેદવાર ચૈતર વસાવાની પણ ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત થતા ભારે રાજકીય સમીકરણો સર્જાયા હતા. આ બાબતે બંને પક્ષોના નેતાઓની હાજરી અને પ્રેસ કોંફરન્સ બાબતની જાણકારી બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું અને આ સર્કિટ હાઉસ છે અહીંયા કોઈપણ નેતા ગમે તે સમયે આવી શકે તેમ પણ કોંગ્રેસી નેતાએ જણાવી વાતને રફેડફે કરી હતી.