દેશની અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક બજાજ ઓટોએ સ્થાનિક બજારમાં તેની સૌથી વધુ વેચાતી બાઇક પલ્સર રેન્જમાં નવું અપડેટ આપ્યું છે. કંપનીએ એકસાથે પલ્સર NS160 અને Pulsar NS200ને સંપૂર્ણપણે નવા અવતારમાં લોન્ચ કર્યા છે. કંપનીએ આ બંને બાઈકમાં કેટલાક નવા ફેરફારો કર્યા છે જે તેમને અગાઉના મોડલ કરતા પણ વધુ સારા બનાવે છે.
નવી શૈલી અને અદ્યતન સુવિધાઓથી સજ્જ, પલ્સર NS160ની પ્રારંભિક કિંમત 1.46 લાખ રૂપિયા અને પલ્સર NS200ની કિંમત 1.57 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. તો ચાલો જાણીએ કે બંને બાઈકમાં શું ફેરફાર જોવા મળે છે.
પલ્સર રેન્જમાં શું બદલાવ આવ્યો?
બજાજ ઓટોએ બંને બાઈકમાં નવું એલઈડી હેડલાઈટ સેટઅપ આપ્યું છે, જો કે આ હેડલાઈટ્સ પહેલા જેવી જ દેખાય છે. પરંતુ તેમની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે. આમાં થંડર આકારની LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ (DRL’s) આપવામાં આવી છે. આ સિવાય બાઈકની બોડી પહેલાની જેમ મસ્ક્યુલર છે અને પેનલ વગેરેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેથી તેની કિંમત ન્યૂનતમ રાખી શકાય.
બંને બાઈકના એન્જિન મિકેનિઝમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, NS 160માં કંપનીએ પહેલા જેવું જ 160 ccનું એન્જિન આપ્યું છે, જે 17.03 bhpનો પાવર અને 14.6 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. તે 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. જ્યારે NS 200માં કંપનીએ 199 cc સિંગલ સિલિન્ડર એન્જિન આપ્યું છે જે 24.13 bhpનો પાવર અને 18.74 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેમાં 6-સ્પીડ ગિયરબોક્સ છે.
વિશિષ્ટતાઓ:
બજાજ ઓટોએ બંને બાઇકમાં નવું ડિજિટલ ડિસ્પ્લે આપ્યું છે, તેમના ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલમાં સ્પીડોમીટર, આરપીએમ મીટર, ઓડોમીટર, ફ્યુઅલ લેવલ અને સ્માર્ટફોન કનેક્ટિવિટી જેવી સુવિધાઓ છે. NS 160 અને NS 200 માં, કંપની સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે કોલ અથવા મેસેજ નોટિફિકેશનની સુવિધા પણ આપે છે. એટલે કે બાઇક ચલાવતી વખતે તમને તેમના એલર્ટ મળે છે.
જ્યાં સુધી બંને બાઈકના હાર્ડવેરની વાત છે, તેમાં આગળના ભાગમાં અપ-સાઇડ ડાઉન ફોર્ક (USD) અને પાછળના ભાગમાં મોનોશોક સસ્પેન્શન છે. તેમાં આગળના ભાગમાં ડિસ્ક બ્રેક અને પાછળના વ્હીલમાં એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) સાથે ડિસ્ક બ્રેક છે. કંપનીએ તેમાં 17 ઇંચનું વ્હીલ આપ્યું છે.