જિલ્લા વિકાસ અધિકારીને તાલુકા પંચાયત સદસ્યાએ આવેદનપત્ર પાઠવ્યું
By: પ્રજ્ઞેશ પાટણવાડીયા,
નર્મદા તટે આવેલ ઝનોર ખાતે ગેરકાયદેસર રીતે લોકોના જીવના જોખમે ચલાવવામાં આવતા ઓરપટાર-બામણીયા હોડીઘાટ બંધ કરાવી કાયદેસરની તપાસ કરવાની માંગ સાથે તાલુકા પંચાયત સભ્યની આગેવાનીમાં જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત સદસ્યા નીતાબેન માછીની આગેવાનીમાં અન્ય ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ઝનોર મુકામે જીલ્લા પંચાયત ભરૂચ હસ્તકનો ઓરપટાર-બામણીયા હોડીઘાટ સને ૨૦૨૩-૨૦૨૪ ના વર્ષ માટે પરવાનાથી ચલાવવા માટે રાહુલ માછીએ રાખેલ હતું. આ હોડીઘાટ છેલ્લા ૧૨ માસથી જુના ઇજારદાર દ્રારા જીલ્લા પંચાયત ભરૂચમાં પરવાનાના રૂપીયા ભર્યા સિવાય ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુમાં આ પ્રકારનું કૃત્ય ચલાવવા પાછળ કયા-કયા અધિકારીઓનો હાથ છે જે એક ગંભીર તપાસનો વિષય છે. કારણ કે, આ ઇજારદાર દ્વારા જીલ્લા પંચાયત ભરૂચમાં પરવાનાના રૂપિયા ભર્યા સિવાય ગેરકાયદેસર રીતે હોડીઘાટ ચલાવવામાં આવેલ હોય જેનાથી જીલ્લા પંચાયત ભરૂચને ઘણું નાણાંકીય નુકશાન થયેલ છે. જેથી આ બાબતે યોગ્ય તપાસ કરાવી જવાબદાર વ્યક્તિઓ પાસેથી નુકશાનીના નાણાં વસુલ કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી.
વધુમાં જણાવાયું હતું કે ઓરપટાર-બામણીયા હોડીઘાટ કોઇપણ જાતના સુરક્ષાના નિયમોનું પાલન કર્યા વગર ચલાવવામાં આવે છે. આ હોડીઘાટમાં મુસાફરોને સેફટી જેકેટ પહેરાવવામાં આવતા નથી અને મુસાફરો સાથે હોડીઘાટ ઉપર મોટર બાઇકો પણ ચઢાવવામાં આવે છે અને ગાય, બળદ, ભેંસ, પાડા જેવા મોટા પશુઓ પણ આ હોડીઘાટ સાથે બાંધીને એક કિનારેથી બીજા કિનારે ખેંચીને લઈ જવામાં આવે છે, જે ખુબ જ જોખમ કારક છે. હોડીઘાટમાં ઝનોર ગામે ભણવા માટે આવતા તરસાલી, ઓર અને પટાર ગામના વિદ્યાર્થીઓ પણ જીવના જોખમે અપ-ડાઉન કરતા હોય છે. થોડા દિવસો પહેલા થયેલ હરણી વડોદરા મુકામે હોડી દુર્ઘટના બની હતી એવી કોઈ ઘટના બનશે તો તેના માટે કોની જવાબદારી રહેશે જેથી સેફ્ટીના નિયમોનું પાલન કર્યા સિવાય ચલાવવામાં આવતો આ હોડીઘાટ બંધ કરાવી જવાબદાર વ્યક્તિઓ સામે યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
ભરૂચ તાલુકા પંચાયતના હાલના કારોબારી અધ્યક્ષ નીતાબેન માછીના પતિ ભૂતકાળમાં દિનેશ માછી કબીરવડ ખાતે ગેરકાયદેસર હોડી ઘાટ ચલાવતા હતા જે બાબતે નબીપુર પોલીસ ખાતે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ ચુકી છે. જે બાબતે હોબાળો થતા જિલ્લા પંચાયતએ દિનેશ માછીને નોટિસો પણ ફટકારી હોવાની માહિતી મળી રહી છે. જે બાબતે ઝનોર ઓર-પટાર નર્મદા ઘાટ પર હોડી ચલાવતા કમલેશ માછીએ જણાવ્યું હતું કે પોતાના પતિ પર ચાલતા કેસ બાબતે તંત્ર લુલું વલણ રાખે તે બાબતે તેઓ આવા આક્ષેપો કરી રહ્યા છે. જ્યારે તેમના પતિ દ્વારા ગેરકાયદેસર હોડી ઘાટ ચલાવવામાં આવતો હતો ત્યારે તેઓને કોઈ વાંધો ન હતો અને અત્યારે સેફટીની વાતો કરી વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે ચાલતાં આક્ષેપ પ્રતિઆક્ષેપો બાબતે તંત્ર નક્કર કામગીરી કરી બતાવશે કે પછી ઢાંકપીછોડો કરશે તે જોવું રહયુ પણ હાલ તો બને બાબતમાં લોકોના જીવના જોખમનો પ્રશ્ન છે જેથી આ બાબતે તંત્ર ગંભીરતાથી નક્કર કામગીરી કરે તે જરૂરી.