ગૂગલે સર્વિસ પે મામલે થયેલાં વિવાદને પગલે ભારતમાં તેના પ્લે સ્ટોરમાંથી લોકપ્રિય લગ્નસબંધી એપ્સ સહિત વિવિધ એપ્સ હટાવવાની શરૂ કરતાં જે તે કંપનીઓએ ગૂગલના આ પગલાંનો વિરોધ કર્યો હતો. ગૂગલે જણાવ્યું હતું કે ઘણી સુસ્થાપિત કંપનીઓ સહિત દસ કંપનીઓએ પ્લેટફોર્મ પરથી લાભ મેળવવા છતાં સર્વિસ ફી ચૂકવવાનું ટાળ્યું છે. ૯૪ ટકા ભારતીય ફોનમાં ગૂગલનું એન્ટ્રોઇડ પ્લેટફોર્મ કામ કરે છે.
ગૂગલ દ્વારા કઇ કંપનીઓની એપ્સ હટાવવામાં આવી તેની વિગતો અપાઇ નથી પણ પ્લે સ્ટોર પર સર્ચ મારતાં મેટ્રિમોનિયલ એપ્સ જેમ કે શાદી, મેટ્રિમોનીડોટકોમ અને ભારત મેટ્રિમોની એપ્સ ગાયબ જણાઇ હતી. એ જ રીતે બાલાજી ટેલિફિલ્મ્સની એએલટીટી (જે અગાઉ અલ્ટ બાલાજી તરીકે જાણીતી હતી)કુકુએફએમ, ક્વેક ક્વેક, ટ્રુલી મેડલી એપ્સ પણ ગાયબ જણાઇ હતી.
ગૂગલની પંદરથી ત્રીસ ટકા ફી ચાર્જ કરતી અગાઉની સિસ્ટમને કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા-સીસીઆઇ દ્વારા રદ કરવામાં આવ્યા બાદ ગૂગલે ઇન એપ પેમેન્ટ પર અગિયાર ટકાથી ૨૬ ટકા સર્વિસ ફી લાદતાં વિવાદ શરૂ થયો હતો. જેને પગલે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ એપની માલિક કંપનીઓને વચગાળાની કોઇ રાહત આપવાનું નવ ફેબુ્રઆરીએ નકારી કાઢતાં ગૂગલે આ કંપનીઓની એપ્સ ફી ન ચૂકવવા બદલ હટાવવા માંડી હતી. ગૂગલ પ્લે મામલે કોર્ટમાં જનારી કંપનીઓમાં મેટ્રિમોનીડોટકોમ, શાદીડોટકોમ, ઇન્ફોએજ, અનએકેડમી, અહા, એએલટીટી, ક્વેકકવેક, સ્ટેજ, કુટુંબ, પ્રતિલિપિ, આનંદવિકતન, ક્રાફ્ટો, અને ટેસ્ટબુકનો સમાવેશ થાય છે.
ભારત મેટ્રિમોનીના સ્થાપક એમ. જાનકીરમને ગૂગલના આ પગલાંને ભારતમાં ઇન્ટરનેટના ઇતિહાસમાં કાળો દિવસ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતુ ં કે સીસીઆઇમાં આ બાબતે સુનાવણી થઇ રહી છે ત્યારે ગૂગલે આ પગલું ઉતાવળે ભરવાની શું જરૂર હતી? ગૂગલ સીસીઆઇના આદેશનું પાલન કરતી નથી તે બાબતની સરકારે નોંધ લેવી જોઇએ. કુકુએફએમના સહસ્થાપક વિનોદ કુમારમીણાએ ગૂગલ ઇજારાશાહી વર્તન કરી રહી હોવાનું જણાવ્યું હતું. ક્વેક ક્વેકના સ્થાપક રવિ મિત્તલે કંપની માર્કેટ પ્લેસમાં પરત આવવા તમામ નિયમોનું પાલન કરશે તેમ જણાવ્યું હતું.
ગૂગલે જણાવ્યું હતું કે આ ડેવલપર્સને ત્રણ વર્ષ કરતાં વધારે સમય તૈયાર થવા માટે આપવામાંઆવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ત્રણ સપ્તાહનો સમય અપાયો હતો. અમે અમારી ઇકોસિસ્ટમમાં એકસમાન નીતિ લાગુ પાડવા જરૂરી પગલાં ભરી રહ્યા છીએ. ગૂગલે જણાવ્યું હતું કે ડેવલપર તેની પેમેન્ટ પોલીસીના ભાગરૂપ ત્રણ બિલિંગ વિકલ્પોમાંથી એકની પસંદગી કરીને તેમની એપ પ્લે સ્ટોરમાં મુકવા માટે ફરી સબમિટ કરી શકે છે.