સ્ટોરી કન્ટેન્ટ (જ્યોતિ પટેલ)
ગુજરાતમાંં હવે પરિક્ષાઓની મોસમ શરુ થઈ છે. ખાસ કરીને ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવાની તૈયારીઓ કરી રહેલા વિધાર્થી કે વિધાર્થિનીઓ સતત તણાવ અનુભવી રહ્યા છે.પરિક્ષાર્થી સંતાનોની સાથે સાથે તેમના અતિમહત્વાકાંક્ષી માતાપિતાઓ-વાલીઓ પણ કાલ્પનિક ભયથી પિડાતા હોય છે.પરિક્ષામાં પેપર સારું નહીં જાય,માર્ક્સ ધાર્યા કરતાં ઓછા આવશે કે નાપાસ થવાનો કાલ્પનિક ભય બાળકોના માનસ પર એટલી હદે છવાઈ જાય છે કે લાગણીશિલ બાળકો ક્યારેક આત્મહત્યાનો પ્રયાસ કરે છે. કેટલાક બાળકો આત્મહત્યા કરી લે છે કે કેટલાક બાળકો ઘર છોડીને ભાગી જાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી કાલ્પનિક ડરના કારણે અથવા તો પરિક્ષામાં નાપાસ થવાના કારણે વિધાર્થી કે વિધાર્થિનીઓ દ્વારા કરાતી આત્મહત્યાનું પ્રમાણ સતત ચિંતાજનક રીતે વધી રહ્યું છે. માતાપિતા,સામાજીક સંસ્થાઓ,ધાર્મિક સંસ્થાઓ,શૈક્ષણિક સંસ્થાઓ,સરકારી તંત્ર અને બુધ્ધીજીવીઓ સહિત તમામની જવાબદારી બની રહે છે કે હતાશ-નિરાશ વિધાર્થી કે વિધાર્થિનીઓને હુંફ,પ્રેમ,લાગણી,પ્રેરણા અને હિંમત આપીને આત્મહત્યા કરતાં રોકવા જોઈએ.સંતાનોના માતાપિતા અને વાલીઓએ પરિક્ષા સમયે શું કરવું અને શું ન કરવું જોઈએ ? આવો જોઇએ સતર્કતા ગ્રુપ ના ફાઉન્ડર જ્યોતિ પટેલ આ અંગે શું કહે છે.
-જો સંતાન( વિધાર્થી કે વિધાર્થિનીઓ)હતાશ નિરાશ કે ગભરાયેલું માલુમ પડે તો તેની સાથે પ્રેમપુર્વકનો વર્તન કરો,તેની સમસ્યા કે ડરની વિગતો મેળવો,તેને સાંત્વના આપો અને સમજાવો કે સ્કુલ કોલેજની પરિક્ષા એ જીવનની અંતિમ પરિક્ષા નથી,જીવનના અંત સુધી તેની સતત પરિક્ષાઓ થતી રહેશે.
-જો સંતાન માનસિક રીતે નબળો હોય તો તેની સાથે સતત પ્રેમપુર્વકનું વર્તન રાખો,તેની સાથે એવો વહેવાર કે વર્તન ન કરો કે બાળક હતાશ નિરાશ થઈ જાય.લાગણીશીલ સ્વભાવના બાળકો ઝડપથી ડિપ્રેશનમાં આવી જાય છે.
-પરિક્ષા સમયે બાળકને ભણવા બેસ…ભણવા બેસ…જેવા શબ્દો ન બોલો.તેને ટોકો નહીં,તેની સાથે સમજાવટથી કામ લો
-સંતાન પરિક્ષા પહેલાં,પરિક્ષા સમયે કે પરિક્ષા આપ્યા બાદ કાલ્પનિક ભયથી પીડાતા હોય તો તુરત જ સાયકોલોજીસ્ટ કે તબીબ પાસે લઈ જાઓ.તેનો કાલ્પનિક ભય દુર થાય તેવા પ્રયાસો કરો.
-સગાસંબંધી કે પડોશીના સંતાનો હોંશિયાર હોય તો તમારા સંતાનને સતત તેના ઉદાહરણ ન આપો,કોઈના હોંશિયાર બાળક સાથે તુલના ન કરો.સંતાનને અન્ય વ્યક્તિી હાજરીમાં તેની લાગણી ઘવાય,તેનું અપમાન થાય તેવા શબ્દો ન બોલો.
-પરિક્ષામાં ઓછા માર્ક્સ આવે કે નાપાસ થવાશે તેવા કાલ્પનિક ડરથી સંતાનો પિડાતા હોય તો તેને પરિણામ જે પણ આવે તેને સ્વિકારી લેવાની માનસિકતા કેળવતાં શિખવાડો.તેને સમજાવો કે કોઈ વાંધો નહીં, ફરીથી વધારે મહેનત કરજે,તારી ભુલો શોધીને ફરીથી પ્રયત્ન કર,અમે તારી સાથે જ છીએ,ગભરાવવાનું નહીં.પડશે તેવી દેવાશે જેવા પ્રેરણાદાયી વાક્યો કહીને તેનામાં આત્મવિશ્વાસ વધે અને ફરીથી મહેનત કરવા તૈયાર થાય તેવા પ્રયાસો કરવા.તેને વારંવાર દોષ કાઢીને બોલવું નહીં.તેની સાથે લડાઈ ઝઘડા ન કરો પણ શાંતિથી સમજાવટથી કામ લો
-તમારી નિષ્ફળતાઓની સાચી ઘટનાઓ,તમારા સંઘર્ષની ઘટનાઓ તેને કહો,તેને જીવનમાં સંઘર્ષ કરવા,વિપરીત પરિસ્થિતિથી નહીં ડરવા માટે પ્રોત્સાહિત કરો.
-જે સફળ વ્યક્તિઓ મહાનુભાવો છે તેમના સંઘર્ષ વાતો સંભળાવો,મહાનુભાવોના જીનવ ચરિત્ર વંચાવો.જેના કારણે સંઘર્ષ કરવાની પ્રેરણા મળે.સંઘર્ષ સામે બાથ ભિડવાનું શિખવાડો,નહીં કે સંઘર્ષથી ડરવાનું.
-જો બાળક હતાશ,નિરાશ કે ગભરાયેલું માલુમ પડે તો તેને એકલું ન છોડી દો,તમારી હાજરી સતત હોવી જરુરી છે.
-સંતાનને માત્રને માત્ર 24 કલાક ભણવાની શિખામણો ન આપો કે તેની ઈચ્છા ન હોય તો પણ તેને રુમમાં બંધ કરી દઈ વાંચવાની ફરજ ન પાડો,તેને માનસિક રીતે સ્વસ્થતા પ્રાપ્ત કરવાની તકો પણ આપો-પરિક્ષા સમયે બાળક સાથે ખુલ્લા દિલથી વિવિધ વિષયો પર ચર્ચાઓ કરી તેને હળવાશની તક આપો,તેને સમજાવો કે આત્મઘાતી પગલું ભરવાથી કે ઘર છોડીને ભાગી જવાથી સમસ્યાઓનો ઉકેલ આવવાનો નથી.
-ઘરમાં દોરડું,દુપટ્ટો,જ્વલનશીલ પ્રવાહી હોય તો સંતાડી રાખો,જેથી સરળતાથી સંતાનના હાથમાં આવી ન જાય.માનસિક રીતે નબળા સંતાનોને ઘરમાં એકલા છોડી તમારે બહાર જવું નહીં.શક્ય હોય તો સંતાનોને તમારી સાથે લઈ જવા,જેથી થોડો સમય બહાર રહેશે તો હળવાશ અનુભવશે.
-જો સંતાન વારંવાર તેના મિત્રો,સગાસંબંધીએ કે જેની સાથે લાગણીના સંબંધો ધરાવતા હોય તેવી વ્યક્તિ સમક્ષ જીંદગીથી કંટાળી ગઈ છું-કંટાળી ગયો છું તેવી વાતો કરે તો તેની વાતને ગંભીરતાથી લો,તેની વાતને અવગણો નહીં,કારણકે આત્મહત્યા કરનાર વ્યક્તિ આત્મહત્યા કરતાં પહેલાં કોઈ ને કોઈ વ્યક્તિને સંકેત આપે જ છે.
-સંતાનોને ઐતિહાસીક શૌર્ય ગાથાઓ,સંઘર્ષની વાર્તાઓ તથા પ્રેરણાદાયી વ્યક્તિઓ વિશે વાત કરો,તેમને જીંદગીમાં જ્યારે પણ વિપરિત પરિસ્થિતિ આવે તો હતાશ કે નિરાશ થયા વગર સંઘર્ષ કરવાની પ્રેરણા આપો.
-સંતાનોને યોગ-પ્રાણાયામ-ધ્યાન-ભજન-મંત્રજાપ કરવા માટે પ્રેરીત કરો.આધ્યાત્મિક વિચારો સંતાનોમાં ધૈર્ય,સાહસ અને સહનશિલતા સાથે સંઘર્ષ કરવાના ગુણો કેળવાશે.
-પરિક્ષામાં ઓછા માર્ક્સ આવે કે નાપાસ થાય તો સંતાનને દોષ કાઢી તેના સાથે લડાઈ ઝઘડા ન કરતા,તેને ફરિથી મહેનત કરવા પ્રેરીત કરો.હતાશ-નિરાશ કે ગભરાયેલા સંતાનોને એકલા બહાર જવા ન દેશો,તેને માનશિક રીતે સ્વસ્થ બનવા માટે ફરવા લઈ જાઓ,મુવી બતાવો,તેને મનગમતી પ્રવ્રુત્તિમાં વ્યસ્ત રાખો,તમારી જીંદગીની નિષ્ફળતાઓ અને સંઘર્ષમય જીવનના ઉદાહરણ આપો.સારા માર્ક્સ લાવનાર વિધ્યાર્થી સાથે તમારા સંતાનની તુલના ક્યારેય ન કરો,કોઈની હાજરીમાં તેને અપમાનિત ન કરો.
-સંતાનો કોઈ કારણ વગર ગુસ્સે થઈ જતા હોય,લડાઈ ઝગડા કરતા હો,સતત બેચેન રહેતા હોય,હતાશ કે નિરાશ થઈ જાય,કોઈની સાથે વાતચીત ન કરતા હો,સુમસામ બેસી રહેતા હોય,ગભરાયેલા દેખાતા હોય,સતત હિંસક દ્રશ્યો નિહાળતા હોય,સ્વભાવ અચાનક ચીડીયો બની ગયો હોય.જો બાળકમાં આવા લક્ષણો દેખાય તો સહેજપણ બેદરકાર ન રહો,સંતાન સાથે પ્રેમપુર્વક વાત કરી,તેને સમજાવી-ફોસલાવી તેની સાથે મૈત્રિપુર્વક ચર્ચા કરી સાચી હકીકત મેળવો.તેને તબીબ પાસે લઈ જાઓ
-યાદ રાખો કે નેતાને ચૂંટણીમાં ટીકીન ન મળે,ટીકીટ મળે તો ચુંટણી હારી જાય,તેના સામે ગંભીર આક્ષેપો થતા રહે,નેતા સામે ગુનાઓ દાખલ થાય,તે જેલમાં જાય.છતાં તેના ક્યારેય હતાશ કે નિરાશ થતા નથી.સંઘર્ષ કરીને વિપરિત પરિસ્થિતિમાંથી બહાર આવે છે.નેતાઓ ક્યારેય આત્મહત્યા કરતા નથી.તેવા ઉદાહરણ સંતાનોને આપી સંઘર્ષ કરવા અને આત્મવિશ્વાસ કેળવવા પ્રેરીત કરો.
-પરિવારમાં હસી-મઝાકનું હળવું વાતાવરણ રાખવા પ્રયાસ કરો,પરિવારમાં પરિક્ષા સમયે ગંભીર કે ઉગ્ર વાતાવરણ રહેવું ન જોઈએ.બાળકો હળવાશથી અને કોઈપણ પ્રકારની ચિંતજનક સ્થિતિમાં પરિક્ષા ન આપે તેનું ખાસ ધ્યાન રાખો.
-બાળકોને આખી રાત વાંચવા લખવા માટે ફરજ ન પાડો.રાતના અતિ ઉજાગરા શારિરીક સમસ્યાઓ ઉભી કરશે,બાળકની તબીયતની સતત કાળજી રાખો.તેને શુધ્ધ,સાત્વિક અને પૌષ્ટિક આહાર આપો,
-પરિક્ષા સમયે બાળકોને ચોવીસ કલાક ઘરમાં પુરાઈ રહેવાની ફરજ ન પાડો,પરિવારના બધા સભ્યો સાથે મળી દરરોજ થોડી સમય માટે બહાર ફરવા માટે જવું જોઈએ.જેથી બાળક માનશિક રીતે સ્વસ્થતા અનુભવશે.
-પરિક્ષામાં ચોરી કરવાનું,કોપી કરવાનું કે અન્ય કોઈ શોર્ટકટથી દુર રહેવા બાળકોને સમજાવવા જરુરી છે.
-બાળકોને મન ફાવે તેવી શિખામણો કે સલાહ ન આપો,જેતે વિષયના તજજ્ઞની જ સલાહ લો.નહીં તો બાળક અસમંજશની સ્થિતિમાં ફસાઈ જશે.
-ઉંચી ટકાવારી લાવનાર બાળક બધી રીતે હોંશિયાર હોતું નથી.માર્કશિટમાં છપાયેલા આંકડા કરતાં બાળકમાં રહેલી ટેલેન્ટને મહત્વ આપો.
-શાળાના સંચાલકો,પ્રિન્શીપલ અને શિક્ષકોએ પણ પરિક્ષાર્થીઓ સાથે સંપર્કમાં રહી બાળકોને પ્રેરણારુપ બનવા પ્રયાસ કરવો જોઈએ.
-માતાપિતા સતત તનાવભર્યું વર્તન કરતા હોવાની કોઈ પરિક્ષાર્થી ફરિયાદ કરે તો શિક્ષકોએ તેની ફરિયાદને ગંભીરતાથી લઈ તેના માતાપિતાનો સંપર્ક કરવો જોઈએ.
-માતાપિતાએ અત્યંત મહત્વાકાંક્ષી ન બનવું જોઈએ.તેમના સ્વપ્ન પુરા કરવા માટે સંતાનો પર દબાણ લાવવું ન જોઈએ
-સંતાનો આત્મહત્યાનો પ્રયાસ કરે,આત્મહત્યા કરે કે ઘર છોડી ભાગી જવા મજબુર બને તેની સ્થિતિ સર્જાવી ન જોઈએ.બાળકોને ખોટું પગલું ભરવા પ્રેરીત ન કરો.યાદ રાખો કે પરિક્ષા આપવાની તક ફરીથી મળશે પણ ગુમાવી દીધેલું બાળક પાછું નહીં મળે.
બાળક ફરી પાછું નહીં મળે
બાળકોને સમજાવો કે જીવનમાં નિષ્ફળતા અને સફળતા મળતી રહેશે. જો બાળક આત્મહત્યા કરશે તો ફરી પાછું નહીં મળે, પરિક્ષાની તક ફરી મળશે, બાળક ફરી નહીં મળે
રાજકીય નેતાઓ પાસેથી શું શિખવાનું છે
રાજકીય નેતાઓ ચૂંટણીમાં હારી જાય, ટીકીટ ન મળે, તેમની સામે કૌભાંડો સહિતના આક્ષેપો થાય, જેલમાં જવું પડે. છતાં ક્યારેય નેતાઓ આત્મહત્યા કરતા નથી. સંઘર્ષ સતત કરતા હોવા છતાં નેતાઓ હતાશ કે નિરાશ થતા નથી. નેતાઓ પાસેથી બીજું કઈં નહીં પણ આ વાત શિખવા જેવી છે.
સંઘર્ષ થી જ વધે આત્મબળ
ધર્મ આપણને શિખવે છે કે સંઘર્ષથી જ આત્મબળ વધે છે. દુનિયાના કોઈપણ ધર્મના શાસ્ત્રો આત્મહત્યાને યોગ્ય ગણાવતા નથી. નિરમાના સ્થાપક કરસનભાઈ પટેલ, ધીરુભાઈ અંબાણી, ગૌતમ અદાણી કેટલું ભણ્યા હતા? શિવકથાકાર ગીરીબાપુને લાખો લોકો વંદન કરે છે, ગીરીબાપુ ધોરણ ૧૨ માં પાંચવાર નાપાસ થયા હતા. અમીતાભ બચ્ચન અને સચીન તેંડુલકરને પણ નિષ્ફળતા મળી હતી, પણ તેમનો સંઘર્ષ અને આત્મવિશ્વાસ જ સફળતાની ઉંચાઈ પર લઈ આવ્યો.