વડોદરાના બાગ બગીચામાં તમારા બાળકને રમવા લઈને જાવ તો સાવધાન રહેજો. કારણ કે, અહીં રમતગમતના સાધનો ક્ષતિગ્રસ્ત છે. જેના કારણે તમારા બાળકને ઈજા થઈ શકે છે. આ ચોંકાવનારી ઘટના વડોદરાના તાંદલજા વિસ્તારના તહુરા ગાર્ડનની છે. જ્યાં ત્રણ વર્ષના બાળકની પગની આંગળી સ્લાઈ્ડ્સ એટલે કે લપસણીમાં ફસાઈને કપાઈ ગઈ. જેનું ઓપરેશન કરીને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ નિષ્ફળ રહ્યો. જેથી બાળકને પગમાં ખોડ રહી ગઈ છે. આ ઘટના બન્યા બાદ તંત્રની ઊંઘ ઉડી અને બાળકને જેનાથી ઈજા થઈ તે લપસણીને હટાવવામાં આવી. પરિવારે કોર્પોરેશન પર બેદરકારીનો આરોપ લગાવી રોષ વ્યક્ત કર્યો છે.
વડોદરા કોર્પોરેશનના પાપે ત્રણ વર્ષના માસૂમ બાળકે પગની આંગળી ગુમાવી છે. તાંદલજા વિસ્તારના તહુરા ગાર્ડનમાં રમવા આવેલ ત્રણ વર્ષના આશ આરિફ પટેલ નામના બાળકની પગની આંગળી કપાઈ ગઈ હતી. ગાર્ડનમાં મૂકાયેલ સ્લાઈડીંગમાં વચ્ચે કાણાં પડ્યા હતા. બાળક જ્યારે લસરપટ્ટી ખાઈ રહ્યુ હતું ત્યારે હોલમાં બાળકના પગની આંગળી ફસાઈ ગઈ હતી. દર્દથી કણસતા બાળકની આંગળી કપાઈને જોતજોતામાં છૂટી પડી ગઈ હતી.
હોસ્પિટલમાં તબીબો દ્વારા બાળકની કપાઈ ગયેલ આંગળીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. બાળકની કપાયેલી આંગળી પાછી જોઈન્ટ થઈ ન હતી. હવે આ બાળક કાયમી એક આંગળી વગર જીવવું પડશે.
જોકે, તંત્રની ભૂલનો ભોગ બાળક બન્યો છે. બાળકની આંગળી કપાયા બાદ તંત્ર જાગ્યું, બાળકની આંગળી લેનાર સ્લાઈડીગને પાલિકાએ હટાવી દીધી હતી. સાથે જ પરિવારે કોર્પોરેશન પર આક્ષેપ કર્યો કે, કોર્પોરેશનની બેદરકારીના કારણે બાળક ખોડખાપણ યુક્ત થયો છે.
કોંગ્રેસે અધિકારીઓને જવાબદાર ગણ્યા
કોંગ્રેસે સમગ્ર ઘટના મામલે પાર્ક્સ એન્ડ ગાર્ડનના અધિકારીને જવાબદાર ઠેરવ્યા છે. કોંગ્રેસના નેતા અશ્ફાક મલેકે કહ્યું, કોર્પોરેશન પરિવારને વળતર આપે. કોર્પોરેશનમાં અગાઉ સ્લાઇડિંગને લઇ રજૂઆત કરી છતાં મરામત ન કરાવ્યું કે નવી ન લગાવી. બાળકના પિતા આરિફ પટેલે કહ્યું, કોર્પોરેશન તંત્ર સામે કાર્યવાહી કરો. હરણી લેક ઝોન બોટ દુર્ઘટના બાદ પણ તંત્રએ કોઇ સબક નથી લીધો.