32 વર્ષ પછી, ગોવા સરકારે જૂના સચિવાલયની પાછળના ફઝેન્ડા બિલ્ડિંગમાં એકાઉન્ટ્સ વિભાગની તિજોરી ખોલી છે. 1961માં ગોવાની આઝાદી બાદ, પોર્ટુગીઝ યુગની આ ઈમારતમાં રાખવામાં આવેલ તિજોરી બીજી વખત ખોલવામાં આવી છે. તેમાં સોનાના આભૂષણો, અને તાંબાના સિક્કા સહિત અમૂલ્ય કિંમતની ઘણી વસ્તુઓ મળી આવી હતી.
મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે 32 વર્ષ બાદ ફરી એકવાર તિજોરી ખોલવામાં આવી છે. આ પહેલા 1992માં જ્યારે આ તિજોરી ખોલવામાં આવી ત્યારે તેમાંથી દુર્લભ અને કિંમતી વસ્તુઓ મળી આવી હતી. જેમાં 2.234 કિલો સોનાની વસ્તુઓ, ઘરેણાં, જૂના સિક્કાનો સમાવેશ થાય છે. આ સરકારી તિજોરી છેલ્લા 32 વર્ષથી ખોલવામાં આવી ન હતી. તેમાં જોવા મળતી દુર્લભ વસ્તુઓને મ્યુઝિયમમાં રાખવામાં આવશે.
સીએમએ કહ્યું કે અમને 2.23 કિલો વજનના સોનાના ટુકડા, 5,000 પ્રાચીન સિક્કા, વિવિધ તારીખોના 307 તાંબાના સિક્કા મળ્યા છે, જેનું કુલ વજન 3.15 કિલો છે. 4.78 કિગ્રા વજનના 814 સિક્કાઓ મળી આવ્યા હતા, જેમાં અરબી ભાષામાં શિલાલેખ છે, 786 તાંબાના રાણી વિક્ટોરિયા લખેલા સિક્કા પણ મળી આવ્યા છે. આ ઉપરાંત તાંબાના વાસણો વગેરે પણ મળી આવ્યા છે.
આ રીતે ગોવા આઝાદ થયું
પોર્ટુગીઝોએ 451 વર્ષ સુધી ગોવામાં શાસન કર્યું હતું. ભારતની આઝાદીના 14 વર્ષ બાદ 19 ડિસેમ્બર 1961ના રોજ ગોવાને આઝાદી મળી હતી. વર્ષ 1961માં ભારતીય સેનાએ ગોવાને પોર્ટુગીઝના કબજામાંથી મુક્ત કરાવ્યું હતું. 1940માં જ્યારે ભારતમાં સત્યાગ્રહ ચાલી રહ્યો હતો ત્યારે ગોવાના કેટલાક નાગરિકોએ પણ તેમાં ભાગ લીધો હતો.
ગોવાની સંસ્કૃતિ ભારત કરતા સંપૂર્ણપણે અલગ હતી, તેથી 1947માં ભારતને આઝાદી મળ્યા પછી પણ પોર્ટુગીઝો ગોવાને આઝાદ કરવા માંગતા ન હતા. જો કે ભારત સરકારે પોર્ટુગીઝોને સમજાવવાના તમામ શક્ય પ્રયાસો કર્યા, પરંતુ જ્યારે તેઓ સંમત ન થયા, ત્યારે ભારત સરકારે સેના દ્વારા ઓપરેશન વિજય શરૂ કર્યું અને ગોવાને પોર્ટુગીઝોની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યું.