‘વન નેશન, વન ઇલેક્શન’ પર ચર્ચા વચ્ચે આજે 2024 લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત થઇ જશે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની ધરાવતી કમિટીએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યા બાદ એવી પણ ચર્ચા છે કે હવે રાજ્યની ચૂંટણી લોકસભા ચૂંટણી સાથે જ કરાવવામાં આવશે. કહેવામાં આવે છે કે લોકસભાની સાથે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીની તારીખ પણ જાહેર કરવામાં આવી શકે છે.
આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભાનો કાર્યકાળ જૂન મહિનામાં અલગ અલગ તારીખોએ પૂર્ણ થઇ રહ્યો છે. હવે લોકસભા ચૂંટણી એપ્રિલથી મે મહિના સુધી ચાલશે. એવામાં આ રાજ્યમાં સંભાવના છે કે વિધાનસભા ચૂંટણી લોકસભા ચૂંટણી સાથે જ કરાવવામાં આવી શકે છે.
જમ્મુ કાશ્મીરમાં સપ્ટેમ્બર સુધી ચૂંટણીનો આદેશ!
સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર 2024 સુધી જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો છે. જોકે, અહીં એપ્રિલ-મેમાં ચૂંટણીને લઇને કેન્દ્ર સરકાર તરફથી કોઇ ઓફિશિયલ નિવેદન આવ્યું નથી. આર્ટિકલ 370ને હટાવવામાં આવ્યા બાદ જમ્મુ કાશ્મીરને વહેંચીને જમ્મુ કાશ્મીર અને લદ્દાખના રૂપમાં બે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધા છે.
જો લોકસભાની સાથે જ અહીં વિધાનસભા ચૂંટણી યોજવામાં આવે તો આ આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ પ્રથમ ચૂંટણી હશે. પરિસીમન બાદ અહીં વિધાનસભાની 83થી વધીને 90 બેઠક કરવામાં આવી છે જેમાં અનુસૂચિત જાતિ માટે સાત અને નવ બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત કરવામાં આવી છે.