અમદાવાદમાં ડ્રન્ક એન્ડ ડ્રાઇવના કેસમાં સતટ વધારો જોવા મળી રહ્યો છે. નશાની હાલતમાં બેફામ કાર ચલાવી થતા અકસ્માતોની સંખ્યામાં પણ સાથે વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદના મેમનગરના સામ્રાજ્ય ટાવરથી સુખીપુરા ગામ સુધી નશાની હાલતમાં કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા. આ કાર ચાલકે 4થી વધુ વાહનોને અડફેટે લીધા હતા અને એક બાઇક ચાલકને ઇજા પહોંચી હતી. કાર ચાલક શખ્સ એટલો નશાની હાલતમાં હતો કે તેને ભાન જ નહોંતુ. બાઈક સવાર શખ્સને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
તો બીજી તરફ સુખીપુરા ગામમાં લોકોએ કાર ચાલકને દબોચીને મેથીપાક ચખાડ્યો હતો. જો કે કાર ચાલક તક જોઈને કાર મૂકીને ફરાર થયો હતો. અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસે અકસ્માતની હારમાળા સર્જનાર કારને કબ્જે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
અમદાવાદ શહેરમાં 14 માર્ચે હોટેલ નર્મદા ITC પાસેના આસોપાલવ ત્રણ રસ્તા પર એક કારચાલકે એક્ટીવા પર સવાર 21 યુવતીને ટક્કર મારી તેને 50 મીટર સુધી ઢસડી હતી. આ યુવતીને માથાના ભાગે તેમજ શરીરના ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ યુવતીને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. જો કે અકસ્માત બાદ કોમામાં સરી પડેલી યુવતીનું સારવાર દરમિયાન મોત થયું હતું.