છેલ્લા કેટલાક samythi નેતાઓના નામે સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી લોકને ઉઠા ભણાવવાનો ધંધો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર રાજકીય નેતાઓ તેમજ સરકારી કર્મચારીઓના ફેક એકાઉન્ટ બનાવનાર ગેંગ ઘણા સમયથી સક્રિય હતી, તેમના દ્વારા છેતરપિંડી આચરવામાં આવતી હતી. વિવિધ કામો કરવા માટે થઈને નેતાઓ અને સરકારી અધિકારીઓના ફોટાનો અને તેના ફેક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો. આઈપીએસ અને આઇએએસના સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી નોકરી આપવાની લાલચ તેમજ સરકારી કામ કરી આપવાની લાલચ આપીને પૈસા પડાવવા માં આવતા હતા.
47 ફેક એકાઉન્ટ મળી આવ્યા
આ અંગે ટેક્નીકલ સર્વેલન્સના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજસ્થાનના કિશનગઢ થી સરમીન અસલમ મેવ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં તેની પાસેથી પોલીસને સોશિયલ મીડિયાના 47 જેટલા ફેક એકાઉન્ટ મળી આવ્યા હતા. જેમાં તેણે આઈપીએસ સફીન હસન, ડો.લવીના સિન્હા, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ તેમજ અન્ય અધિકારીઓના ફેક એકાઉન્ટ બનાવ્યા હતા.
સરમીનને બનાવટી સીમ કાર્ડ અપાવવાના તેમજ ટાર્ગેટ કરવામાં આવતા વ્યક્તિ સાથે ફોન કરવામાં મદદ કરનાર અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછમાં વધુ માહિતી પણ સામે આવી છે કે, આરોપીએ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર ના ફોટા નો ઉપયોગ કરીને પેન્સીલની પ્રાઇવેટ કંપનીના બોક્સ પેક કરીને વળતર આપવાના નામે અમદાવાદમાં મોટી છેતરપિંડી આચરી હતી. આ અંગે સાઇબર ક્રાઇમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.