પોલિસી તૈયાર કરવામાં કેજરીવાલની સીધી સંડોવણી : ઈડી
ઈડીએ દલીલ રજુ કરી હતી કે, કેજરીવાલની દિલ્હી લિકર પોલિસી તૈયાર કરવામાં સીધી સંડોવણી છે અને બે વખત રોકડ ટ્રાન્સફર કરાયા છે. પહેલા 10 કરોડ અને પછી 15 કરોડ રૂપિયા અપાયા છે. મુખ્યમંત્રીએ આ રકમ ગોવા અને પંજાબની ચૂંટણી માટે ફંડ માટે ટ્રાન્સફર કરી છે. તેમણે કેસ સંબંધીત ઘણા ઈલેક્ટ્રોનિક પુરાવાઓનો નાશ કર્યો છે. કેજરીવાલ અને આમ આદમી પાર્ટી સામે લીકર પોલિસી દ્વારા 600 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હતું. ઈડી તરફથી એડિશનલ સોલિસિટર જનરલ (ASG) રાજુએ તો કેજરીવાલ તરફથી વકીલો અભિષેક મનુ સિંઘવી, વિક્રમ ચૌધરી અને રમેશ ગુપ્તાએ દલીલો રજૂ કરી હતી.
28 પાનાના પુરાવાના આધારે રિમાંડ માગ્યા
ઇડીએ આ દરમિયાન કોર્ટમાં એક ચેટ પણ રજૂ કરી હતી જેમાં પૈસાની લેવડ-દેવડ વિશેની વાત હતી. જેમાં પૈસા રોકડા કે પછી બેન્ક ખાતા સ્વરૂપે આવશે તેનો ખુલાસો કરવામાં આવ્યો હતો. ઈડીએ કહ્યું કે કુલ ચાર રુટ પરથી પૈસા ગોવા મોકલાયા હતા. વિજય નાયરની એક કંપનીમાંથી આ પુરાવા હાથ લાગ્યા હતા. ઈડીએ કુલ 28 પાનાના પુરાવા રજૂ કર્યા હતા અને તેના આધારે કેજરીવાલના રિમાંડની માગ કરી હતી.
600 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું
ઈડીએ કોર્ટમાં દલીલો દરમિયાન કહ્યું હતું કે કેજરીવાલ અને આમ આદમી પાર્ટી સામે લીકર પોલિસી દ્વારા 600 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હતું.
વકીલ અભિષેક મનુ સિંઘવી શું બોલ્યાં?
કેજરીવાલ વતી હાજર વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે શું ઈડીએ ધરપકડ કરવી જરૂરી હતી? તમારી પાસે સત્તા છે એનો મતલબ એ નથી કે તમે ધરપકડ જ કરો? ધરપકડનો હક અને તેની જરૂરિયાત બંને અલગ વસ્તુ છે. બધા પુરાવા મનમુજબ ઘઢી કાઢેલા છે. તમારી પાસે બધુ જ છે તો પછી રિમાંડની શું જરૂર છે? ઈડી ફક્ત 3-4 નામનો જ ઉલ્લેખ કરી રહી છે. સિંઘવીએ કહ્યું કે ઈડીએ પીએમએલએનો કેસ સાબિત કરવો પડશે. કેજરીવાલની ધરપકડ કેમ? કસ્ટડીમાં લઈને જ પૂછપરછ કરવાની ક્યાં જરૂર છે? સિંઘવીએ કહ્યું કે હાલ ધરપકડની જરૂર નહોતી. ચૂંટણી પહેલાં જ ધરપકડ કરાઈ છે. ચૂંટણી પહેલાં આવા પગલાં શા માટે? પહેલીવાર આપના તમામ મોટા નેતાઓની ધરપકડ કરાઇ. નિષ્પક્ષ ચૂંટણી જ બંધારણનો આધાર છે.
દિલ્હીમાં લીકર પોલિસીના કૌભાંડ મામલે એક પછી એક ખુલાસા કરતાં કોર્ટમાં ઈડીએ કહ્યું કે 45 કરોડ રૂપિયા હવાલા મારફતે ગોવા મોકલવામાં આવ્યા હતા. અનેક લોકોને ભારે ભરખમ રોકડ ચૂકવાઈ હતી. વિજય નાયર તેમાં વચેટિયાની ભૂમિકામાં હતો.
ઈડીએ મનીષ સિસોદિયાનું ઉદાહરણ ટાંક્યું
કોર્ટે કહ્યું કે આ કેસમાં જ મનીષ સિસોદિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમને પણ અત્યાર સુધી જામીન નથી મળ્યાં. દિલ્હીના એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં કેજરીવાલની સીધી રીતે સંડોવણી છે. તેમણે લાંચ માટે ખાસ લોકોનો પક્ષ લીધો હતો. વિજય નાયર કેજરીવાલ માટે કામ કરી રહ્યો હતો. કેજરીવાલે દક્ષિણની લોબીથી લાંચની માગ કરી હતી.
ગઈકાલે દિલ્હી હાઈકોર્ટમાંથી કેજરીવાલને ઝટકો લાગ્યાના થોડા સમય બાદ જ ઈડીની ટીમ તેમના ઘરે પહોંચી ગઈ. લગભગ બે કલાક સુધી પૂછપરછ બાદ કેજરીવાલની ધરપકડ કરી લેવાઈ. કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કરી દીધું કે તેઓ મુખ્યમંત્રીની ખુરશી છોડવાના નથી. દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું કે કેજરીવાલની ધરપકડ કરી દેવાઈ છે, પરંતુ તેઓ જેલમાંથી જ સરકાર ચલાવશે. આતિશીએ કહ્યું, તેઓ દિલ્હીના મુખ્યમંત્રી રહેશે.
બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી પદેથી કેજરીવાલને હટાવવાની માંગ સાથે દિલ્હી હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માગણી સાથે એડવોકેટ શશિ રંજન કુમાર સિંહ દ્વારા દિલ્હી હાઈકોર્ટ સમક્ષ PIL દાખલ કરવામાં આવી છે.