વૈષ્ણોદેવી ઝુંડાલ રોડ પર 8 વર્ષના બાળકનું ગટરમાં પડી જતા મોત
વૈષ્ણોદેવી ઝુંડાલ રોડ પર 8 વર્ષના બાળકનું ગટરમાં પડી જતા મોત થયું. ગટરમાં પડી જનાર 8 વર્ષનો બાળક શ્રમિક પરિવારનો હોવાનું સામે આવ્યું છે. ગટરમાં પડેલ બાળકને બહાર કાઢવામાં ભારે જહેમત કરવામાં આવી છતાં નિષ્ફળતા હાથ લાગી.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદના વૈષ્ણોદેવી ઝુંડાલ રોડ પર આવેલ ગટરમાં 8 વર્ષનો બાળક પડી ગયો. શ્રમિક પરિવારના દેવાંશ ધર્મેન્દ્રભાઈ ધોબીનો 8 વર્ષનો બાળક ઝુંડાલ રોડ પરની ખુલ્લી ગટરની આસપાસ રમતો હતો અને રમતા-રમતા અચાનક ગટરમાં પડી ગયો. બાળકનો પરિવાર ઝુંડાલ રોડ પર બસની રાહ જોતો ઉભો હતો. બસ આવે ત્યાં સુધી બાળક ખુલ્લામાં રમતો હતો. પરંતુ રમતમાં ખુલ્લી ગટર બાળકના ધ્યાનમાં ના આવી અને અંદર પડી ગયો.
બાળક ખુલ્લી ગટરમાં પડી ગયો તે પરિવારના તત્કાળ ધ્યાનમાં આવ્યું નહિ. પરંતુ જ્યારે બસની રાહ જોતા હતા અને બસ આવી ત્યારે બાળકને શોધવા લાગ્યા અને 8 વર્ષનો બાળક ના મળતા પ્રથમ તેનું અપહરણ થયાનું લાગ્યું. બાળક ગુમ થતા પરિવારે સ્થાનિક પોલીસને જાણ કરી. અડાલજ પોલીસે શોધખોળ કરતા ગટરમાંથી બાળકનો મૃતદેહ મળ્યો. 8 વર્ષના બાળકનું મૃત્યુ પરિવારની લાપરવાહી કે પછી ખુલ્લી ગટર હોવાથી તંત્રની બેદરકારી કહી શકાય. આખરે ભોગ તો બાળકનો લેવાયો. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.