સુરેન્દ્રનગર ચોટીલા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. ચોટીલા નજીક આપાગીગાના ઓટલા પાસે એક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળ પર જ 3 લોકોના મોત નિપજયા. અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી ગઈ. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યા બાદ ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ ચોટીલાના આપાગીગાના ઓટલા પાસે ભયંકર અકસ્માત બનવા પામ્યો. આપાગીગા પાસે ચોટીલાથી રાજકોટ તરફ જઇ રહી હતી એમ્બ્યુલન્સ ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 3 લોકોના મોત નિપજયા છે. ગમખ્વાર અકસ્માતમાં એમ્બ્યુલન્સના ચાલક અને બે મહિલા સહિત ત્રણના ઘટનાસ્થળ પર મોત થયા છે. મૃતકોના નામ વિજયભાઈ બાવળીયા ઉ. વ. 39 (એમ્બ્યુલન્સ ચાલક), પાયલબેન મકવાણા ( ઉંમર વર્ષ 18) અને ગીતાબેન મીયાત્રા (ઉંમર વર્ષ 45) હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
એમ્બ્યુલન્સના ડ્રાઈવર સહિત દર્દીની પુત્રી અને મોટા બહેન મળીને કુલ 3 લોકોના મોત નિપજ્યા છે. જોકે મહિલા દર્દીનો બચાવ થયો હતો. એમ્બ્યુલન્સમાં ચોટીલાના દર્દીને તકલીફ વધી જતા રાજકોટ લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં ટ્રક સાથે તેની ટક્કર થઈ ગઈ હતી.
વિગતો મુજબ, ધુળેટીના રાત્રે ચોટીલાના રાજપરા ગામમાં રહેતા કાજલબેન મકવાણાને ચોટીલા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા. તેમની સાથે 18 વર્ષની દીકરી પાયલ મકવાણા અને દીકરો પણ હતા. સાથે રાજકોટથી તેમના બહેન અને બનેવીને પણ ચોટીલા બોલાવાયા હતા. જોકે તેમને પડખામાં દુઃખાવો થતા રાજકોટ ખસેડવા માટે ડોક્ટરે જણાવ્યું હતું. આથી તેઓ ખાનગી હોસ્પિટલમાં કાજલબેનને લઈને રાજકોટ જવા નીકળ્યા હતા.