હાલ ક્ષત્રિય સમાજ રૂપાલા સામે વ્યાપક વિરોધ કરી રહ્યો છે તેની સાથે અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર વગેરે જિલ્લામાં કાઠી ક્ષત્રિય સમાજ પણ જોડાયેલ છે ત્યારે આશ્ચર્યજનક રીતે આજે રાજકોટ ભાજપ કાર્યાલયે કેટલાક કાઠી આગેવાનોએ પત્રકાર પરિષદ બોલાવીને રૂપાલાને સમર્થન આપવાની અને આ સમાજ દ્વારા આંદોલન પૂરું કરવાની વાત કરતા ચર્ચા જાગી છે. જો કે બીજી તરફ આજે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના મુદ્દે ઠેરઠેર વિરોધ પ્રદર્શન યોજાયા હતા અને તેઓ ક્ષત્રિય સમાજની સાથે જ હોવાનું આ જાહેરાત પછી જાહેર કર્યું હતું.
મળતા અહેવાલો મૂજબ આજે રાજુલા-જાફરાબાદ તાલુકાના કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની વિરુદ્ધ આવેદનપત્ર આપીને જે વાણી વિલાસ કર્યો છે, રજવાડાની બહેન દિકરીઓ માટે ટીપ્પણી કરીને ક્ષત્રિય સમાજને નીચો દેખાડવા પ્રયાસ કરેલ છે તે સામે રોષ વ્યક્ત કરીને ટિકીટ રદ કરવા માંગણી કરાઈ હતી. રાજકોટની પ્રેસ કોન્ફરન્સનો કાઠી ક્ષત્રિય સમાજમાં વિરોધ ઉઠ્યો છે. બોટાદના કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા એક નિવેદનમાં જણાવ્યું છે કે જેમ જયરાજસિંહના સમાધાનથી સમાજ સહમત ન્હોતો તેમ રાજકોટમાં કહેલી આ વાતથી કાઠી દરબારો સહમત નથી. રામકુભાઈ કરપડાએ ભાજપ કાર્યાલયથી આવી વાત કરનાર કાઠી ક્ષત્રિય આગેવાનોને આવતીકાલે જવાબ આપવાની વાત કહી છે.
સુરેન્દ્રનગર કાઠી ક્ષત્રિય સમાજના અનેક આગેવોનીની સહીથી રાજપૂત સંસ્થાઓના દરેક લડાઈ રણનીતિમાં અમે સાથે છીએ તેમ નિવેદન જારી કર્યું છે. ધારી તાલુકા કાઠી ક્ષત્રિય સમાજે મુખ્યમંત્રીને પત્ર લખીને રૂપાલાની ટિકીટ રદ કરવા માંગણી કરી છે.