ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણી માટેનું મતદાન ત્રીજા તબક્કામાં સાતમી મેએ થવાનું છે તે પહેલા જ ગુરુવારે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગતા સુરતમાં PAAS નેતા અલ્પેશ કથીરિયાએ ધાર્મિક માલવિયા સાથે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. રાજીનામાં બાદથી અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાશે તેવા અહેવાલ પ્રકાશિત થયા હતા. ત્યારે હવે તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાશે નહીં.
લેઉવા પટેલની સૌથી મોટી સંસ્થામાં જોડાયા
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધા બાદ અલ્પેશ કથીરિયાએ લેઉવા પાટીદારોની સૌથી મોટી સામાજિક સંસ્થા ખોડલધામમાં જોડાઈને સંસ્થામાં સેવા કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે તેમણે સ્પષ્ટતા પણ કરી દીધી છે કે તેમનો હાલ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવાનો વિચાર નથી. તેમની ખોડલધામ સુરત જિલ્લા સમિતિના કન્વીનર તરીકેની નિમણુંક કરવામાં આવી છે. અગાઉ અલ્પેશ કથીરિયાએ રાજીનામું આપ્યા બાદ કહ્યું હતું કોઈ નારાજગી નથી અને સામાજિક કાર્યો પર ધ્યાન આપવાને કારણે રાજીનામું આપ્યું છે.
કોણ છે અલ્પેશ કથીરિયા? તેમના પત્ની છે ભાજપના નેતા
અલ્પેશ કથીરિયા અમરેલી જિલ્લાના મોટા ગોખરવાળા ગામના વતની છે. હાલ તેઓ નાના વરાછા ખાતે તાપીદર્શન સોસાયટીમાં રહે છે. અલ્પેશ કથીરિયાએ LLBનો અભ્યાસ કર્યો છે. તેઓ વ્યવસાયે વકીલ છે. અલ્પેશ 2015થી ચર્ચામાં છે. અલ્પેશ કથીરિયાની હાર્દિક પટેલ સાથે 2015માં મુલાકાત થઈ હતી. ત્યારથી તેઓ પાટીદાર આંદોલનમાં જોડાયા હતા. અલ્પેશ કથીરિયા સામે એટ્રોસિટી અને રાજદ્રોહનો ગુનો નોંધાયેલો છે. તો અલ્પેશ કથીરિયા અત્યાર સુધી આમ આદમી પાર્ટીમાં હતા. જોકે તેમના પત્ની કાવ્યા પટેલ ભાજપના નેતા છે અને તેઓ કોર્પોરેટર રહી ચૂક્યા છે.