વડાપ્રધાન મોદી છેલ્લા બેદિવસથી ગુજરાતમાં સભાને સંબોધી રહ્યા હતા. જેમાં જામનગર ખાતે ક્ષત્રિયો,રાજામહારાજાના યોગદાનની મુક્તકંઠે પ્રશંસા થઈ, ધ્રોલમાં રાજપૂત સમાજ સાથે ભાજપના સાંસદની તેમજ રાજકોટમાં માજી રાજવીઓની બેઠક મળી અને આ બધા પછી આજે રાત્રિ ક્ષત્રિયોની સંકલન સમિતિના સૂત્રોએ જણાવ્યા મુજબ રૂપાલા-ભાજપ વિરૂધ્ધ મતદાન કરવાના એકમાત્ર લક્ષ્ય સાથે ચાલતા આંદોલનમાં જરા પણ ફરક પડયો નથી અને યથાવત્ વધુ જોશથી ચાલુ રખાયું છે. જેઓ સમાધાનની, ભાજપને સમર્થનની વાતો કરે છે તેઓ ભાજપ સાથે જોડાયેલા છે, ક્ષત્રિય સમાજ તે વાત સાથે સહમત નથી.
ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું કે અમે પહેલા જ કહ્યું હતું કે ભાજપનો વિરોધ નથી માત્ર રૂપાલાનો વિરોધ છે, તેમની ટિકીટ કાપો પરંતુ, ભાજપે ટિકીટ રદ નહીં કરતા ભાજપ સામે આંદોલન સ્વયંભુ શરૂ થયું છે. સ્થિતિ એવી છે કે સમાજના એકલ-દોકલ નેતા આંદોલનને ઢીલુ પાડી શકે તેમ નથી, ક્ષત્રિય જ્યારે ઘરે જાય ત્યારે ક્ષત્રાણીઓ પણ પુછે છે કે રૂપાલાના મુદ્દે શુ કર્યું. આંદોલન હવે ઘરે ઘરે પહોંચી ગયું છે.
ક્ષત્રિયોમાંથી મળતા અહેવાલો મુજબ ગઈકાલે વડોદરાના કરજણ ખાતે ક્ષત્રિયોની સભા યોજાઈ હતી જેમાં વક્તાઓએ કહ્યું કે ભાજપ સાથે ઘણા લાગણી ધરાવે છે પરંતુ, એ લાગણીમાં વહીને ક્ષત્રિય બેન-દિકરીનું અપમાન સહન કરી શકાય નહીં. તા.7ના ભાજપ વિરૂધ્ધ જંગી મતદાન કરીને શક્તિ દેખાડી દેજો. દરમિયાન વડાપ્રધાનની જ્યાં સભા યોજાઈ તે જામનગર અને જુનાગઢમાં આજે ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાશે. રાજકોટથી નીકળેલ ધર્મરથ શહેરના તમામ વોર્ડમાં ફર્યો તેમાં મોટી સફળતા મળી હતી, ક્ષત્રિયોએ ઠેરઠેર ભાજપ વિરૂધ્ધ પ્રતિસ્પર્ધીને મતદાનના સંકલ્પ, શપથ લેવાયા હતા અને આ ધર્મરથની પૂર્ણાહુતિ લેઉઆ પાટીદાર સમાજના આસ્થાકેન્દ્ર એવા ખોડલધામ ખાતે થઈ ત્યારે ત્યાં રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
દેત્રોજ તાલુકાના રામપુરા ભકોડા ગામમાં પણ ભાજપનો વિરોધ કરાયો હતો. મોરબીમાં શનિવારે બપોરે 3,30 વાગ્યે ક્ષત્રિયના અસ્મિતા ધર્મરથનું આગમન થશે જે નિમિત્તે મહારેલી યોજવામાં આવશે. ગોંડલમાં રાજકોટથી જઈ રહેલ ક્ષત્રિય સમાજની સેંકડો વાહનો સાથે ધર્મરથનું સ્વાગત કરાયું હતું અને બહોળી સંખ્યામાં ક્ષત્રિય ભાઈ-બહેનો ઉમટી પડયા હતા. ફલ્લાથી અહેવાલ મુજબ જામનગર તાલુકાના ખીલોસ ગામે ધર્મરથનું આગમન થતાં ભવ્ય સ્વાગત થયું હતું.