PM Narendra Modiએ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ નખત્રાણા દ્વારા આયોજિત સનાતની શતાબ્દી મહોત્સવમાં દ્વિતીય દિવસે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને રાષ્ટ્ર ગૌરવ સમારોહ નિમિત્તે સંબોધન કર્યું હતું. PM Narendra Modiએ કહ્યું કે, કચ્છ એ ગુજરાતનું જ નહીં પણ સમગ્ર ભારતનું ગૌરવ છે. ભારતના કોઈપણ ખૂણામાં જાઓ ત્યાં કચ્છીમાડુઓની હાજરી અચૂક હોય જ છે. “કચ્છડો ખેલે ખલક મેં…” ઊક્તિ સાથે સંબોધન કરતાં વડાપ્રધાનશ્રીએ જણાવ્યુ હતું કે, આજે મારા માટે સોનામાં સુગંધ ભળે એવો પ્રસંગ છે કારણ કે શારદાપીઠના જગતગુરુ શંકરાચાર્યની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો છે. PM Narendra Modiએ મંચ પરથી શારદાપીઠના જગતગુરુ શંકરાચાર્યને પ્રણામ કર્યા હતા.
PM Narendra Modiએ વધુમાં કચ્છી કડવા પાટીદાર સમાજની સિદ્ધિને બિરદાવતા જણાવ્યું હતું કે, સમાજની સેવાના ૧૦૦ વર્ષનો પુણ્યકાળ, યુવા પાંખના ૫૦ વર્ષ અને મહિલા પાંખના ૨૫ વર્ષ પૂર્ણાહુતિનો આ ત્રિવેણી સંગમ એક સુખદ સંયોગ છે. જ્યારે કોઈ પણ સમાજના યુવાનો, માતાઓ બહેનો પોતાના સમાજની જવાબદારી પોતાના જ ખભા પર લે છે ત્યારે માની લેવું જોઈએ એ સમાજની સફળતા અને સમૃદ્ધિ નક્કી થઈ જાય છે. આનંદ સાથે વડાપ્રધાનશ્રીએ કહ્યું કે સનાતન માત્ર એક શબ્દ નથી પણ નિત્ય નૂતન છે, પરિવર્તનશીલ છે. જેમાં વીતેલી કાલથી પોતાને વધારે સક્ષમ બનાવવાની ચેષ્ટા છે. આથી જ સનાતન અજર અમર છે.
કોઈપણ રાષ્ટ્રની યાત્રા તેના સમાજની યાત્રાનું જ એક દર્શન હોય છે. પાટીદાર સમાજનો અનેક વર્ષોનો ઈતિહાસ, ૧૦૦ વર્ષની કચ્છ કડવા પાટીદાર સમાજની યાત્રા અને ભવિષ્યનું વિઝન એ ભારત અને ગુજરાતને જાણવા અને જોવાનું માધ્યમ પણ છે. સેંકડો વર્ષો પૂર્વે આ સમાજ પર વિદેશ આક્રમણકારોએ અત્યાચાર કર્યા છે. આમ છતાં સમાજના પૂર્વજોએ પોતાની ઓળખાણ બનાવી રાખીને પોતાની આસ્થાને ખંડિત થવા દીધી નથી. આજે આપણે સદીઓ પહેલાના ત્યાગ અને બલિદાનના પ્રભાવને સફળ સમાજની પેઢી તરીકે જોઈ રહ્યા છીએ. આજે કચ્છ કડવા પાટીદાર સમાજના લોકો દેશ-વિદેશમાં પોતાની સફળતાની ધ્વજ પતાકા લહેરાવી રહ્યા છે. તેઓ જ્યાં પણ છે ત્યાં પોતાના શ્રમ અને સામર્થ્યથી આગળ વધી રહ્યા છે.
ટીમ્બર, પ્લાયવૂડ, હાર્ડવેર, માર્બલ હોય કે પછી બિલ્ડીંગ મટીરિયલ હોય તમામ સેક્ટરમાં પાટીદાર સમાજ છવાયેલો છે. વડાપ્રધાનશ્રીએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ બધાની વ્યવસાયની સાથે જ તમે પેઢી દર પેઢી, વર્ષોથી પોતાની પરંપરાનું માન વધાર્યું છે. આ સમાજે પોતાના વર્તમાનનું નિર્માણ કરીને પોતાના ભવિષ્યનો પાયો નાખ્યો છે.
PM Narendra Modiએ ઉમેર્યું હતું કે, આ સમાજ પાસેથી તેઓએ ઘણુંબધું શીખ્યું છે. ગુજરાત મુખ્યમંત્રીશ્રી તરીકે એ સમયે અનેક વખત કચ્છ પાટીદાર સમાજની સાથે કામ કરવાનો અવસર મળ્યો એ વાતનો PM Narendra Modiએ હર્ષ વ્યક્ત કર્યો હતો.
કચ્છના ભૂકંપની મુશ્કેલ પરિસ્થિતિના સમયને યાદ કરીને વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, રાહત બચાવના લાંબા પ્રયાસોમાં સમાજની તાકાતના લીધે જ મને હંમેશા આત્મવિશ્વાસ પ્રાપ્ત થયો હતો. એક સમય હતો જ્યારે કચ્છ દેશના સૌથી પછાત જિલ્લામાંથી એક હતો. પાણીની તંગી, ભૂખમરો, પશુઓના મોત, લોકોનું પલાયન વગેરે ખરાબ પરિસ્થિતિ જ કચ્છની ઓળખાણ હતી. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે સાથે મળીને કચ્છની કાયાકલ્પ કરી દીધી છે. આપણે સૌએ સાથે મળીને કચ્છના પાણી સંકટના નિવારણ માટે કામ કર્યું છે. આપણે સૌએ સાથે મળીને જે રીતે કચ્છને વિશ્વમાં પ્રવાસનનું હબ બનાવ્યું છે તે એક ઉત્તમ ઉદાહરણ છે. આજે મને જોઈને ગર્વ થાય છે કે કચ્છ દેશના સૌથી ઝડપથી વિકસી રહેલા જિલ્લામાંથી એક છે. કચ્છની કનેક્ટિવિટી સુધરી રહી છે, મોટા મોટા ઉદ્યોગો આવી રહ્યા છે. જે કચ્છમાં એક સમયે ખેતીનો વિચાર પણ ના કરી શકાય એવી સ્થિતિ હતી. આજે એ જ કચ્છમાંથી ખેતી પેદાશોની દુનિયામાં નિકાસ થઈ રહી છે.
નારાયણ રામજી લીંબાણીનો ઉલ્લેખ કરીને PM Narendra Modiએ કહ્યું કે, હું એમના જીવનમાંથી ખૂબ પ્રેરિત થયો છું. શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજને આગળ વધારનારા અનેક લોકોથી મારો વ્યક્તિગત આત્મિય સંબંધ પણ રહ્યો છે.
કોરોનાના સમય દરમિયાન કચ્છ કડવા પાટીદાર સમાજની સેવાકીય કામગીરીને વડાપ્રધાનશ્રીએ બિરદાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આ સનાતની શતાબ્દી મહોત્સવની સાથે સમાજે આગામી ૨૫ વર્ષ સુધીનું વિઝન નક્કી કર્યું છે. આ સમાજના ૨૫ વર્ષના સંકલ્પ પૂર્ણ થશે ત્યારે દેશ આઝાદીના ૧૦૦મા વર્ષની ઉજવણી કરી રહ્યો હશે. કચ્છ કડવા પાટીદાર સમાજે ઈકોનોમીથી માંડીને ટેક્નોલોજી સુધી, સામાજિક સમરસતાથી માંડીને પર્યાવરણ અને પ્રાકૃતિક ખેતી માટે જે સંકલ્પ લીધા છે તે દેશના અમૃત સંકલ્પો સાથે સંકળાયેલા છે. તેઓએ વિશ્વાસ સાથે ઉમેર્યું હતું કે, શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રયાસો દેશના સંકલ્પને તાકાત આપીને સિદ્ધિ સુધી પહોંચાડશે.