જુનાગઢના માણાવદરમાં દવાનો જથ્થો ડેમમાં નાખ્યો હોવાનું સામે આવ્યું છે. દવાઓ, વેક્સિન, અને સીરપની બોટલો ડેમમાં ફેંકી દેવામાં આવી હતી. માણાવદર શહેરમાં થોડા વર્ષ અગાઉ દવાઓના જથ્થાને સળગાવી નાખવાની ઘટના બની હતી. ત્યારે ફરીથી દવાનો જથ્થો ડેમમાં નાખી દેતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
સ્થાનિક લોકોએ દવાઓની બેચને આધારે ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે તેવી માંગ કરી છે. સરકાર દ્વારા દર્દી આરોગ્ય સેવાથી વંચિત ના રહે તેવા પ્રયાસો થઇ રહ્યા છે. પરંતુ માણાવદરમાં હજારો રૂપિયાની દવાઓ ડેમના પાણીમાં નાખી દેતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે..
વિગતવાર જોઈએ તો, માણાવદર-જુનાગઢ હાઈવે પર દગડ અને ભાલેચડા ડેમ આવેલા છે. ભાલેચડા ડેમમાં મોટા પ્રમાણમાં દવાઓ, વેક્સિન, બોટલો અને સીરપ સહિતની દવાઓ મળી આવી છે. ત્યારે આટલો મોટો દવાઓનો જથ્થો ઉપયોગમાં લીધા વગર કેમ નાખી દેવામાં આવ્યું છે એક શંકાનો સવાલ છે.
આ દવાઓ ઘણા સમયથી ડેમના પાણીના ખાડામાં નાખી દીધી હોવાનું પ્રાથમિક તારણમાં દેખાઈ રહ્યું છે. ત્યારે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે કોઈ કાર્યવાહી કરશે કે શું તે પણ જોવાનું રહ્યું.