કાલોલ તાલુકાના સાતમણા ગામે એક ખેતરમાંથી અજાણ્યા યુવકનો દુર્ગંધ મારતો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહ અંગે તપાસ શરૂ કરી છે. પોલીસ સાથે ઘટના સ્થળે પહોંચેલા સી.પી.આઈ એ મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવી કોલ્ડ સ્ટોરેજમાં મુકવાની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહ મળી આવ્યા અંગેની જાણ આસપાસના રહીશોને થતા ઘટના સ્થળે લોક ટોળા એકત્ર થયા હતા જોકે યુવક કોણ છે, અને ક્યાંનો છે, તે અંગે હાલ પોલીસને કઈ વિગતો જાણવા મળી નથી.
કાલોલ તાલુકાના સાતમણા ગ્રામ પંચાયતમાં આવેલા કરણમુવાડા ગામની સીમમાં બાજરીના ખેતરમાં અજાણ્યા યુવકનો દુર્ગંધ મારતો મૃતદેહ ઘાસચારો લેવા ગયેલા પશુપાલકોને જોવા મળ્યો હતો. પશુપાલકે આજુબાજુના ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતોને અને ખેતર માલિકને પણ આ મૃતદેહ અંગે જાણ કરતા ખેતર માલિકે કાલોલ પોલીસ સ્ટેશનમાં મૃતદેહ અંગેની જાણકારી આપતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસ ખેતરમાં પહોંચે ત્યાં સુધી ખેતરમાં મૃતદેહ પડ્યો હોવાની જાણ આજુબાજુના રહીશોમાં થતા મૃતદેહ જોવા માટે લોક ટોળા એકત્ર થયા હતા પરંતુ આ મૃતક યુવક ની ઓળખ છતી થઈ શકી ન હતી.
@મોહસીન દાલ, ગોધરા