અકસ્માતમાં મોતને ભેટેલા તલાટીના પિતા જિલ્લા સમાજ સુરક્ષા પરિષદના અધ્યક્ષ છે
@સચિન પીઠવા, સુરેન્દ્રનગર
પાટડી તાલુકાના અખિયાણા ગામના આશાસ્પદ તલાટીની ગાડીને ટ્રેલર સાથે થયેલા ગમખ્વાર અકસ્માતમાં તલાટીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. મૃતક તલાટી દસાડા તાલુકા તલાટી મહામંડળના મહામંત્રી અને જિલ્લા તલાટી મહામંડળના પ્રવક્તા હતા. જેમાં અકસ્માતમાં મોતને ભેટેલા તલાટીના પિતા જિલ્લા સમાજ સુરક્ષા પરિષદના અધ્યક્ષ છે.
પાટડી તાલુકાના અખિયાણા ગામના તલાટી આનંદભાઇ જી. મકવાણા ઓડીટના કામ માટે પાટડી તાલુકા પંચાયત કચેરીમાં કામ પતાવીને પાટડીથી સુરેન્દ્રનગર પોતાના ઘેર પરત ફરી રહ્યાં હતા. ત્યારે પાટડી બજાણા રોડ પર બાપા સિતારામની મઢુલી પાસે સામેથી માંતેલા સાંઢની માફક પુરઝડપે આવતા ટ્રેલર અને ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાડીના આગળના ભાગનો પેચો બોલી ગયો હતો.
જેમાં ગાડીમાં સવાર અખિયાણાના આશાસ્પદ તલાટી આનંદભાઇ જી.મકવાણાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા એમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. બીજી બાજુ છેલ્લા ઘણા વર્ષોથી 24 કલાક સેવામાં દોડતી પાટડી 108 એમ્બ્યુલન્સ વાનને આજથી જ 12 કલાક માટે કાર્યરત કરાતા માંડલ 108 એમ્બ્યુલન્સ વાન બોલાવવાની ફરજ પડી હતી. જેમાં 108 એમ્બ્યુલન્સ વાન ઘટનાસ્થળે પહોંચે એ પહેલા જ આશાસ્પદ તલાટી આનંદભાઇ જી.મકવાણા ઉર્ફે કવીરાજનું પ્રાણપખેરૂ ઉડી ગયું હતુ.
આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. અને મૃતક તલાટીની લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવાયા હતા. ત્યારે દસાડા તાલુકા તલાટી મહામંડળના મહામંત્રી અને જિલ્લા તલાટી મહામંડળના પ્રવક્તા હતા. જેમાં અકસ્માતમાં મોતને ભેટેલા તલાટીના પિતા જિલ્લા સમાજ સુરક્ષા પરિષદના અધ્યક્ષ છે. આ ઘટનાની જાણ થતાં પાટડી તલાટી મંડળના સભ્યો, તાલુકા પંચાયતના કર્મચારીઓ અને રાજકીય આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા.