@ઋતુલ પ્રજાપતિ
ચોમાસાની સિઝન આવે ત્યારે વરસાદી ભેજના કારણે લોખંડના બારી કે દરવાજામાં ક્યાંક વીજ કરંટ ઊતરતો હોય છે. જેના પરિણામે એવા બારી કે બારણાંને ભૂલથી અડકી જતા વીજ કરંટ લાગતો હોય છે અને પરિણામે તે મોતને ભેટતો હોય છે. આવી જ એક ઘટના ભિલોડા તાલુકાના જનાલી ટાંડા ગામે બનવા પામી છે.
બિપરજોય વાવાઝોડાના કારણે અરવલ્લી જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આવા વરસાદી ભેજની અસર મકાનના બારી બારણાંમાં જોવા મળે છે. બારી બારણાં ઉપરથી વીજ લાઇન પસાર થતી હોય છે જેના કારણે કરંટ લાગે છે. ત્યારે ભિલોડાના જનાલી ટાંડા ગામે આજે એક 40 વર્ષીય રણજિત અંબાલાલ નામના યુવક ઘરનો દરવાજો ખોલવા જતા દરવાજામાં વીજ કરંટ ઉતારવાના કારણે તેઓને સારવાર અર્થે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓ સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા. આમ બિપરજોય વાવાઝોડા બાદ વરસેલા વરસાદના કારણે વીજ કરંટથી અરવલ્લી જિલ્લામાં પ્રથમ મોત નોંધાયું હતું.