@sachin pithva, surendranagar
સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ(yoga)દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ભારત સરકાર તથા રાજ્ય સરકારશ્રી દ્વારા G-20ની ‘One Earth, One Health’ની થીમને ધ્યાનમાં રાખીને “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય”ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ જ શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામના પાઠવતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ અને આપણા ઋષિમુનિઓએ માનવ જાતને આપેલી મહામૂલી ભેટ એટલે યોગ. યોગ ભારત દેશ પૂરતાં જ સીમિત ન રહે એનો વ્યાપ સમગ્ર સમગ્ર વિશ્વમાં ફેલાય એવા હેતુથી 21 જુને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત દેશ વસુધૈવ કુટુમ્બકમની ભાવના વાળો દેશ છે. યોગના માધ્યમથી સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એ માટે વર્ષ 2014માં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુનાઇટેડ નેશન્સની મહાસભામાં એક પ્રસ્તાવ મૂકી લોકોને યોગનું મહત્વ સમજાવ્યું. આ પ્રસ્તાવ સાથે વિશ્વના 193 દેશોએ સહમત થઈને એનો સ્વીકાર કર્યો. ત્યારથી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વર્ષ 2015માં યોગ દિવસની શરૂઆત થઈ અને છેલ્લા નવ વર્ષથી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, લોકો યોગનું મહત્વ સમજે અને હર ઘર સુધી યોગા પહોંચે એ માટે 21 જૂન 2019 ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. માત્ર આંતરરાષ્ટ્રીય યોગ દિવસે જ નહીં પરંતુ લોકો કાયમી ધોરણે યોગ કરતાં થાય એ દિશામાં યોગ બોર્ડ સતત કાર્યરત છે. લોકોમાં યોગ પ્રત્યેની જાગૃતિ કેળવાય એ માટે યોગ બોર્ડ દ્વારા સતત યોગ શિબિરો, રેલીઓ, સ્પર્ધાઓ, યોગ સમર કેમ્પ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અત્યારે યોગને પણ સ્પોર્ટ્સનો દરજ્જો આપવામાં આવ્યો છે. ખેલ મહાકુંભમાં યોગ સ્પર્ધામાં ગત વર્ષે 78 હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
આજે સવા કરોડ કરતાં પણ વધારે લોકો યોગમાં સહભાગી બન્યા છે. યોગને વિશ્વ ફલક પહોંચાડવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અનેકવિધ પહેલો કરવામાં આવી છે. આજે વડાપ્રધાન આપણાને અમેરિકાની ધરા પરથી સંબોધી રહ્યા છે. આજે ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, જેલ, પોલીસ સ્ટેશન વગેરે જગ્યાએ મળી રાજ્યમાં 72 હજાર કરતાં વધારે સ્થળો યોગના કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે હું ગુજરાત રાજ્ય બોર્ડ અને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરીને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં આઇકોનિક સ્થળ, ૭૫ જેટલા અમૃત સરોવર તથા શૈક્ષણિક સંસ્થાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્ર, પોલીસ હેડ ક્વાર્ટર, પોલીસ સ્ટેશન તેમજ ગ્રામ્ય કક્ષાએ મળીને અંદાજિત ૧૪૦૦ જેટલા યોગ કાર્યક્રમો યોજાશે. જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્ર્મમાં આશરે 2500 લોકો તેમજ અન્ય કાર્યક્રમોમાં મળીને અંદાજે પાંચ લાખથી વધારે લોકો આ કાર્યક્રમમાં સહભાગી થયાં હતાં. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદબોધન ઉપસ્થિત સૌએ રસપુર્વક સાંભળ્યું હતું.
આ પ્રસંગે યોગ કોર્ડીનેટર નીતા દેસાઈએ ઉપસ્થિત સૌ લોકોને વજ્રાસન, વજ્રાસન, ભદ્રાસન, તાડાસન, વૃક્ષાસન, પાદ હસ્તાસન, અર્ધચક્રાસન, ત્રિકોણાસન, અર્ધ-ઉષ્ટ્રાસન, ઉષ્ટ્રાસન, ઉત્તાનમંડૂકાસન, વક્રાસન, મકરાસન ભુજંગાસન, સલભાસન, સેતુ બંધાસન, ઉત્તાનપાદાસન, અર્ધહલાસન, પવનમુક્તાસન, શવાસન, કપાલભાતિ, ધ્યાન સહિતના યોગાસન કરીને યોગ નિદર્શન કર્યું હતું. ત્યારબાદ સૌ લોકોએ નિયમિત યોગ કરવા માટે સંકલ્પ લીધો હતો અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી.
આ યોગ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કે.સી.સંપટ, જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, પોલીસ અધિક્ષક હરેશ દુધાત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ.રાયજાદા, નાયબ પોલીસ અધિક્ષક એચ.પી.દોશી, નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ હાર્દિકભાઈ ટમાલીયા સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.