@પરેશ પરમાર, અમરેલી
ગ્રામ્ય વિસ્તારમા ઝોલા છાપ ડોકટરો લોકોના આરોગ્ય સાથે રમત કરી રૂપિયા કમાતા હોય છે. જાફરાબાદ તાલુકાના કેરાળા ગામેથી એસઓજી પોલીસે કલીનીક ચલાવી રહેલા બોગસ તબીબને ઝપડી પાડયો હતો.
બોગસ તબીબ ઝડપાયાની આ ઘટના જાફરાબાદ તાલુકાના કેરાળામા બની હતી. એસઓજી પોલીસે બાતમીના આધારે ટીંબી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.દક્ષાબેન મેવાડા સહિત ટીમને સાથે રાખી અહી દરોડો પાડયો હતો. અહીના ગરબી ચોક વિસ્તારમા મુળ ઉનામા રહેતો સુમરા મહમદભાઇ સુલેમાનભાઇ નામનો બોગસ તબીબ કોઇ પ્રકારની ડિગ્રી વગર દવાખાનુ ચલાવી લોકો પાસે ફી લઇ સારવાર કરી એલોપેથીક દવાઓ આપતો હતો.
પોલીસની પુછપરછમા તેની પાસે કોઇ ડિગ્રી ન હોવાનુ ખુલ્યુ હતુ. પોલીસે તેની અટકાયત કરી એલોપેથીક દવાઓ તેમજ મેડિકલ સાધન સામગ્રી મળી કુલ 47 ચીજ વસ્તુઓ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એ.પી.બારૈયા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.જિલ્લામાં અગાઉ પણ બોગસ તબીબો પકડાયા છે ત્યારે વધુ એક બોગસ તબીબને પોલીસે પકડી પાડ્યો છે.
ગામડામાં બોગસ તબીબોની વધુ પ્રેકટીસ
ગ્રામ્ય વિસ્તારોમા આવા બોગસ તબીબો કોઇ પ્રકારની ડિગ્રી વગર કલીનીક ખોલીને બેસી જાય છે અને દર્દીઓ પાસેથી ફી લઇ એલોપેથીક દવાઓ આપે છે. અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે.