મોરવા(હ) તાલુકાના માતરીયા ગામના દસ યુવાન મિત્રો વર્ષાઋતુની અહલાદક વાતાવરણમાં સંતરામપુર તાલુકાના સરહદ પાસે આવેલા માનગઢ ધામની મુલાકાતે જઈને પરત આવતા ઉખરેલી ગામ પાસે ખળખળ વહેતી નદીના પાણીમાં આ યુવાન મિત્રો ન્હાવા પડતા બે યુવાન મિત્રોના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજતા નિર્દોષ મસ્તીના આનંદ અચાનક આક્રંદમાં ફેરવાઈ ગયો હતો. નદીના પાણીમાં બે યુવાનો ડૂબી ગયા હોવાની સાથી મિત્રોની ચીસાચીસની ખબરોથી દોડી આવેલા સ્થાનિક રહીશો એ નદીના ઉંડા પાણીમાં ઝંપલાવીને કમલેશ બારીઆના મૃતદેહને શોધીને બહાર કાઢ્યો હતો. જ્યારે લાપતા યુવાન અક્ષયની શોધખોળ માટે સ્થાનિક રહીશો અને પોલીસ તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ છે.જો કે બે યુવકોના મોતની અણધારી ખબરોના પગલે મૃતકોના સ્વજનો ઉખરેલી ગામે ઘટના સ્થળે દોડી આવતા ભારે આક્રંદના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાના પગલે બચી ગયેલા અન્ય આઠ યુવક મિત્રો ભારે આઘાતમાં સરકી ગયા હતા.
વર્ષાઋતુના અહલાદક વાતાવરણ વચ્ચે મોરવા (હ) તાલુકાના માતરીયા ગામના ૧૨ જેટલા યુવક મિત્રો ઈકો ગાડીમાં સરહદે આવેલા માનગઢ ધામની મુલાકાત લઈને પરત આવતા ઉખરેલી ગામે રોડની બાજુમાં ખળખળ વહેતી નદીના પાણીમાં ન્હાવા પડ્યા હતા. યુવાન મિત્રોની નદીના પાણીમાં ન્હાવાની નિર્દોષ મસ્તીઓ વચ્ચે બે મિત્રો કમલેશ અને અક્ષય ઉંડા પાણીમાં ડૂબીને ગરકાવ થઈ ગયા હોવાની સાથી મિત્રોની દર્દનાક ચીસો સાંભળીને સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા.અને શરૂ થયેલા આ બચાવ કાર્યમાં અંદાઝે ૨૩ વર્ષીય કમલેશ બીજલભાઈ બારીઆના મૃતદેહને બહાર કાઢ્યો હતો જ્યારે લાપતા અક્ષય ભારતભાઈની શોધખોળ ચાલુ છે. આ ઘટનાની ખબરો સાથે સંતરામપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
@મોહસીન દાલ, ગોધરા