શુક્રવારે મળેલી BCCI એપેક્સ કાઉન્સિલની બેઠકમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની આગામી સિઝન માટે ઈમ્પેક્ટ પ્લેયરના નિયમમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા, તો બીજી તરફ ભારતીય ખેલાડીઓ વિદેશી T20 લીગમાં રમવા અંગે, અને એશિયન ગેમ્સમાં પુરુષ અને મહિલા ટીમની ભાગીદારી અને વર્લ્ડ કપ પહેલા સ્ટેડિયમના અપગ્રેડેશન પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
BCCI નિવૃત્ત ક્રિકેટરો માટે પોલિસી લાવશે
છેલ્લા કેટલાક સમયથી ભારતીય ખેલાડીઓની વિદેશી લીગમાં રમવાની માંગ કરી રહ્યા છે. જો કે, વર્તમાન ખેલાડીઓ પર વિદેશી લીગમાં રમવા પર પ્રતિબંધ છે, જ્યારે કેટલાક નિવૃત્ત ક્રિકેટરો વિદેશી લીગમાં રમી રહ્યા છે. હવે BCCIએ તેના નિવૃત્ત ખેલાડીઓ માટે પણ વિદેશી T20 લીગમાં ભાગ લેવા અંગે નીતિ તૈયાર કરવાની જાહેરાત કરી છે. BCCIને ડર છે કે વિદેશી લીગની સારી ઓફરોને કારણે સારા ખેલાડીઓ સમય પહેલા નિવૃત્તિ ન લે.
એક-બે મહિનામાં નિર્ણય લેવામાં આવી શકે છે
ઘણા ક્રિકેટરો લીગ ક્રિકેટ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડવાનો નિર્ણય લઈ રહ્યા છે. આવી સ્થિતિમાં BCCI સેક્રેટરી જય શાહે કહ્યું છે કે અમે આવી કોઈપણ નિવૃત્તિને રોકવા માટે નીતિ લાવશું. એક કે બે મહિનામાં પોલિસી ફાઈનલ થઈ જાય પછી અમે તેને મંજૂરી માટે એપેક્સ કાઉન્સિલને પાછી મોકલીશું.
હાલમાં, માત્ર ભારતીય ખેલાડીઓ જેઓ આંતરરાષ્ટ્રીય અને IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરે છે તે જ વિદેશી T20 લીગમાં રમી શકે છે. પરંતુ નિવૃત્ત ખેલાડીઓની સંખ્યા ઘણી વધી ગઈ છે અને હવે તેઓ આઈપીએલની રેસમાં પણ નથી. આ તમામ વિદેશી ટી20 લીગમાં ભાગ લઈ રહ્યા છે. આનાથી બીસીસીઆઈના અધિકારીઓ નારાજ છે.
આ ખેલાડીઓ વિદેશી T20 લીગ રમી રહ્યા છે
ઈરફાન અને યુસુફ પઠાણ, પાર્થિવ પટેલ, શ્રીસંત અને સ્ટુઅર્ટ બિન્ની જિમ આફ્રો T10 લીગમાં રમતા જોવા મળશે. અંબાતી રાયડુ યુએસએમાં મેજર લીગ ક્રિકેટનો ભાગ બનશે. રોબિન ઉથપ્પા અને યુસુફ પઠાણ વર્ષની શરૂઆતમાં ILT20માં સામેલ થયા હતા. આમાંથી ઘણા ખેલાડીઓ ભારતીય ક્રિકેટ માટે સ્ટાર રહ્યા છે. આવી સ્થિતિમાં, અન્ય લીગમાં રમીને, સ્પોન્સર્સને તે વિદેશી લીગ તરફ આકર્ષિત કરી શકે છે. જો કે બીસીસીઆઈ એવું ઈચ્છતું નથી. બોર્ડનું એમ પણ કહેવું છે કે તેઓ ટેલેન્ટને ક્યાંય પણ વેડફવા દેવા માંગતા નથી. એટલા માટે તે નિવૃત્ત ખેલાડીઓ માટે પણ પોલિસી બનાવવા વિકારી રહ્યા છે જેથી તેઓ પણ વિદેશી લીગમાં રમવાનું ટાળે.
એક ખેલાડીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “નિવૃત્ત ખેલાડીઓને શાંત રહેવા દબાણ કરવું એટલું સરળ નથી કારણ કે તેઓ કરાર હેઠળ નથી.” એવું કહેવામાં આવી રહ્યું છે કે બોર્ડ આ અંગે કાયદાકીય અભિપ્રાય લેશે. બીસીસીઆઈ નિવૃત્ત ખેલાડીઓને એનઓસી (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) મેળવવા માટે પણ કહી શકે છે, જેના માટે માર્ગદર્શિકા હજી નક્કી કરવાની બાકી છે.
એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયા આ રીતે રહેશે
આ ઉપરાંત, BCCI આ વર્ષે સપ્ટેમ્બરમાં ચીનના હાંગઝોઉમાં યોજાનારી એશિયન ગેમ્સમાં પુરૂષ અને મહિલા બંને ટીમો મોકલશે. જો કે, ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 સાથે એશિયન ગેમ્સના શેડ્યૂલના ઓવરલેપને ધ્યાનમાં રાખીને, BCCI એશિયન ગેમ્સમાં રમવા માટે વિશ્વ કપમાં ભાગ ન લેનારા ખેલાડીઓમાંથી ખેલાડીઓની પસંદગી કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયા એશિયન ગેમ્સમાં શિખર ધવનની કેપ્ટન્સીમાં અને NCA ચીફ વીવીએસ લક્ષ્મણની દેખરેખમાં રમી શકે છે.
મેદાનને અપગ્રેડ કરવામાં આવશે
BCCI દેશમાં સ્ટેડિયમના અપગ્રેડેશનને લઈને બે તબક્કામાં કામ કરશે. પ્રથમ તબક્કો ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટેના સ્થળોના અપગ્રેડેશન સાથે કામ કરશે, જે વર્લ્ડ કપની શરૂઆત પહેલા પૂર્ણ થશે. જ્યારે, બીજા તબક્કામાં બાકીના સ્થળોના અપગ્રેડેશનનો સમાવેશ થશે.