- પશ્ચિમ બંગાળ/ આઠ મહિનાના પુત્રને વેચી રીલ બનાવવા ખરીદ્યો iPhone, આ રીતે ઝડપાયા માતાપિતા
દેખાદેખીની ઘેલછા માણસને માનવતાની બધી જ હદો પાર કરાવી રહી છે, તેનું તાજું ઉદાહરણ હાલમાં સામે આવ્યું છે. આઈફોન ખરીદવાના લોભમાં માતા-પિતાએ તેમના આઠ મહિનાના પુત્રને વેચી દીધો હતો. આ કપલ મોંઘા ફોનમાંથી એક સુંદર રીલ બનાવવા માગતું હતું. આ ઘટના કોઈ વિદેશની નહિ પરંતુ આપણા જ દેશ ભારતની છે. જી હા… પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણામાં એક માતા-પિતાએ પોતાના આઠ મહિનાના બાળકને iPhone ખરીદવા માટે વેચ્યું છે. સમાચાર મળતાની સાથે જ પોલીસે માતાની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે આ કપલ પાણીહાટીના રહેવાસી છે. બે ટાઈમ ખાવાના જેને ફાંફા હોય તેવા માતાપિતાના હાથમાં iPhone એ મોટી વાત હતી. જ્યારે લોકોએ અચાનક આ માતાપિતાના હાથમાં મોંઘો સ્માર્ટફોન જોયો તો તેમને શંકા ગઈ. આરોપી મહિલા રીલ બનાવવા માટે ઘણી જગ્યાએ ફરતી હતી. આનાથી પણ લોકોની શંકા વધુ ઘેરી બની. જ્યારે પડોશીઓએ જોયું તો જાણવા મળ્યું કે તેમનું બાળક પણ ઘણા દિવસોથી ગુમ છે. આ પછી તેણે દંપતીને પૂછ્યું કે તમારું બાળક ક્યાં છે, તો તેઓ જવાબ આપવાનું ટાળવા લાગ્યા હતા. પરંતુ દબાણ કરવામાં આવતા તેઓએ કહ્યું કે તેઓએ પૈસાની લાલચમાં બાળક અન્ય દંપતિને વેચી દીધું છે.
પોલીસને ઘટનાની જાણ થતાં જ ખરદાહ વિસ્તારની એક મહિલા પાસેથી બાળક મળી આવ્યું હતું. દેખીતી રીતે, દંપતીએ મોબાઇલ ફોન ખરીદવા માટે તેમના પુત્રને આ મહિલાને વેચી દીધો હતો. બાળક ખરીદનાર પ્રિયંકા ઘોષ નામની મહિલાની પણ પોલીસે ધરપકડ કરી છે.
પડોશીઓનો આરોપ છે કે આ દંપતીને સાત વર્ષની પુત્રી પણ છે અને તે ડ્રગ્સના સેવનમાં પણ સામેલ છે. દંપતી તેમની પુત્રીને પણ વેચવા માંગતા હતા. સ્થાનિક કાઉન્સિલરના નિવેદન મુજબ, દંપતી તેમની પુત્રીને પણ વેચવા જઈ રહ્યું હતું. સ્થાનિક કાઉન્સિલર તારક ગુહાએ જણાવ્યું હતું કે, છોકરાને વેચ્યા બાદ જયદેવે શનિવારે મધરાતે છોકરીને પણ વેચવાનો પ્રયાસ કર્યો હતો. અમને સમાચાર મળતા જ અમે પોલીસને જાણ કરી. પોલીસે જયદેવની ધરપકડ કરી છે.
પોલીસ અધિકારીના નિવેદન મુજબ, તે સ્પષ્ટ નથી કે છોકરાને ગરીબીના કારણે વેચવામાં આવ્યો હતો કે અન્ય કોઈ કારણસર. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, તપાસ ચાલુ છે અને મામલાને તમામ એંગલથી જોવામાં આવી રહ્યો છે.