Independence Day 2023 Special: ભારતની આઝાદીમાં અનેક મહિલાઓ પણ પોતાનું યોગદાન આપ્યું. બેગમ હઝરત મહેલ આવા જ એક વીરાંગના હતા. જેમણે 1857માં આઝાદીના પ્રથમ યુદ્ધમાં બ્રિટિશ સરકારના દાંત ખાટા કર્યા હતા. તેમની સંગઠન શક્તિ અને બહાદુરીથી અંગેજો પણ હાર માનવ મજબુર બન્યા હતા. અવધના શાસક વાજિદ અલી શાહની પ્રથમ બેગમ હઝરત મહેલ 1857ની ક્રાંતિમાં ઝંપલાવનાર પ્રથમ મહિલા હતા.
બેગમ હઝરત મહેલનો જન્મ 1820માં અવધ પ્રાંતના ફૈઝાબાદ જિલ્લાના એક નાનકડા ગામમાં અત્યંત ગરીબ પરિવારમાં થયો હતો. બાળપણમાં બધા તેમને મુહમ્મદી ખાતુન (મોહમ્મદ ખાનુમ) તરીકે બોલાવતા. બેગમ હઝરત મહેલના પરિવારની સ્થિતિ એટલી ખરાબ હતી કે તેમના માતા-પિતા તેમને ખવડાવી પણ શકતા ન હતા. જેના કારણે તેમને શાહી ઘરોમાં ડાન્સ કરવાની ફરજ પડી હતી. ત્યાં તેમને શાહી હરમના પરી જૂથમાં સામેલ કરવામાં આવ્યા હતા. જેના પછી તેઓ ‘મહેક પરી’ તરીકે ઓળખાવા લાગ્યા. એકવાર અવધના નવાબની નજર તેમના પર પડી અને જોતા જ તેમની ઉપર ફિદા થઇ ગયો. તેને મહેક પરીને તેના શાહી હરમમાં સામેલ કરી અને પોતાની પત્ની બનાવી. આ પછી તેમણે બિરજીસ કાદર નામના પુત્રને જન્મ આપ્યો. ત્યારબાદ તેમને ‘હઝરત મહેલ’નું બિરુદ આપવામાં આવ્યું.
નવાબ કેદ થયા બાદ ગાદી સંભાળી
સંઘર્ષથી ભરેલું જીવન જીવ્યા પછી જ્યારે તેઓ નવાબની પત્ની બન્યા ને જીવનમાં સમૃદ્ધિ આવી, પરંતુ તે લાંબો સમય ટકી નહીં. 1856માં, બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ અવધ રાજ્ય પર કબજો કર્યો અને તાજદાર-એ-અવધ નવાબ વાજિદ અલી શાહને કેદી બનાવ્યા. જે પછી બેગમ હઝરત મહેલે પોતાના સગીર પુત્ર બિરજીસ કાદરને ગાદી પર બેસાડીને અવધ રાજ્યની સત્તા સંભાળી. 7 જુલાઈ, 1857 થી, તેઓ અંગ્રેજો સામે યુદ્ધના મેદાનમાં ઉતર્યા. તે એક કુશળ વ્યૂહરચનાકાર હતા. તેમની પાસે લશ્કરી અને લડાઈ કૌશલ્ય સહિત ઘણા ગુણો હતા. પોતાના રાજ્યને અંગ્રેજોની ચુંગાલમાંથી બચાવવા માટે તેઓ બ્રિટિશ સેના સાથે બહાદુરીથી લડ્યા.
મહિલા સૈનિકો તેમની તાકાત હતી
બેગમ હઝરત મહેલ તમામ ધર્મોને સમાન રીતે જોતા હતા, તેમણે ક્યારેય ધર્મના આધારે ભેદભાવ કર્યો ન હતો, તેમણે પોતાના તમામ ધર્મના સૈનિકોને પણ સમાન અધિકાર આપ્યા હતા. ઈતિહાસકારો માને છે કે તે પોતાના સૈનિકોને પ્રોત્સાહિત કરવા માટે યુદ્ધના મેદાનમાં જતી હતી. હઝરત મહેલની સેનામાં મહિલા સૈનિકોનો પણ સમાવેશ થતો હતો, જે તેની સુરક્ષા કવચ હતી.
પોતાનું રાજ્ય અંગ્રેજો પાસેથી આઝાદ કરાવ્યું હતું
1857માં જ્યારે બળવો શરૂ થયો ત્યારે બેગમ હઝરત મહેલે પોતાની સેના અને સમર્થકો સાથે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે બળવો કર્યો. બેગમ હઝરત મહેલના સક્ષમ નેતૃત્વ હેઠળ, તેમની સેનાએ લખનૌ નજીક ચિનહાટ, દિલકુશા ખાતેની લડાઈમાં અંગ્રેજોને હરાવ્યા હતા. લખનૌમાં થયેલા આ વિદ્રોહમાં હિંમતવાન બેગમ હઝરત મહેલે અવધ પ્રાંતના ગોંડા, ફૈઝાબાદ, સલોન, સુલતાનપુર, સીતાપુર, બહરાઈચ વગેરે વિસ્તારોને અંગ્રેજોના હાથમાંથી મુક્ત કરાવીને લખનૌ પર ફરીથી કબજો કર્યો હતો. ઈતિહાસકારોના મતે અંગ્રેજો સામેની આ લડાઈમાં બેગમ હઝરત મહેલને ઘણા રાજાઓએ ટેકો આપ્યો હતો. બેગમ હઝરત મહેલની લશ્કરી પ્રતિભાથી પ્રભાવિત થઈને સ્વતંત્રતા સંગ્રામમાં મુખ્ય ભૂમિકા ભજવનાર નાના સાહેબે પણ તેમને ટેકો આપ્યો હતો. તે જ સમયે, રાજા જેલાલ, રાજા માનસિંહે પણ આ લડાઈમાં રાણી હઝરત મહેલનો સાથ આપ્યો.
આ યુદ્ધમાં હઝરત મહેલે કુશળતાપૂર્વક હાથી પર સવાર થઈને પોતાની સેનાનું નેતૃત્વ કર્યું, આ ભીષણ યુદ્ધને કારણે અંગ્રેજોને લખનૌ રેસિડેન્સીમાં છુપાઈ જવાની ફરજ પડી. જો કે, પાછળથી અંગ્રેજોએ વધુ સૈન્ય અને શસ્ત્રોના બળ પર ફરી એકવાર લખનૌ પર હુમલો કર્યો અને લખનૌ અને અવધના મોટાભાગના ભાગોમાં તેમની સત્તા સ્થાપિત કરી. જેના કારણે બેગમ હઝરત મહેલને પીછેહઠ કરવી પડી અને પોતાનો મહેલ છોડવો પડ્યો.
હાર પછી પણ અંગ્રેજો લડતા રહ્યા
આ હાર પછી તે અવધના ગામડાઓમાં ગઈ અને અંગ્રેજો સામે લડવા માટે લોકોને એકઠા કર્યા. તેણે અવધના જંગલોને પોતાનું રહેઠાણ બનાવ્યું. આ દરમિયાન નાના સાહેબ અને ફૈઝાબાદના મૌલવીઓ સાથે મળીને તેમણે શાહજહાંપુર પર પણ હુમલો કર્યો અને ગેરીલા યુદ્ધની નીતિથી અંગ્રેજોને હરાવ્યા. એવું કહેવાય છે કે બેગમ હઝરત મહેલ એ પહેલી બેગમ હતી જેણે તમામ હિંદુ-મુસ્લિમ રાજાઓ અને અવધના લોકો સાથે લખનૌ વિદ્રોહમાં અંગ્રેજોને હરાવ્યા હતા. બેગમ હઝરત મહેલ એ સૌપ્રથમ અંગ્રેજો પર મુસ્લિમો અને હિંદુઓના ધર્મમાં વિભાજન અને નફરત પેદા કરવાનો આરોપ લગાવ્યો હતો.
નેપાળમાં આશરો લેવો પડ્યો
મૌલાના અહમદ શાહ અંગ્રેજો સાથેના યુદ્ધ દરમિયાન માર્યા ગયા, બેગમ હઝરત મહેલને હવે અવધ છોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. તે જ સમયે, અંગ્રેજોએ બાદશાહ બહાદુર શાહ ઝફરને કેદ કરીને રંગૂન મોકલી દીધા હતા. સ્થિતિ ઘણી વણસી ગઈ હતી, પરંતુ તે પછી પણ હઝરત મહેલ પોતાને અંગ્રેજોના કેદી બનવા માંગતા ન હતા. તેથી તે તેના પુત્ર સાથે નેપાળ ગયા હતા. નેપાળના રાજા રાણા જંગ બહાદુર પણ તેમની હિંમત અને સ્વાભિમાનથી ખૂબ પ્રભાવિત થયા હતા, તેથી તેમણે બેગમ હઝરત મહેલને નેપાળમાં આશ્રય આપ્યો હતો. અહીં તે પોતાના પુત્ર સાથે એક સામાન્ય મહિલાની જેમ રહેવા લાગી અને અહીં જ તેણે 1879માં અંતિમ શ્વાસ લીધા. બેગમ હઝરત મહેલના નશ્વર અવશેષોને કાઠમંડુની જામા મસ્જિદમાં દફનાવવામાં આવ્યા હતા.