લોકોભિમુખ કામગીરી થી લોકો માં ખુશી!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી જિલ્લામાં મારી માટી મારા દેશના કાર્યક્રમોને સફળતા મળ્યા બાદ જિલ્લા વિકાસ અધિકારી એ ગામે ગામ સુવિધાઓ ચકાસવા માટે એક ખાસ ટીમ બનાવી છે. જેમાં ગામડાઓમાં ગ્રામ પંચાયત, શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્રો, પશુપાલન અને બાંધકામ શાખાના અને તળાવ સહિતના કામોનું ચેક લિસ્ટ બનાવીને ૨૪ અધિકારીઓ ની ટીમ બે ગામોની ચકાસણી કરશે.
મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાએ જણાવ્યું હતું કે ગામડાઓ જે જે સુવિધાઓ છે તે યોગ્ય પ્રમાણમાં છે અને આ સુવિધાઓ છે તો ગ્રામજનોને પૂરતો લાભ મળે છે કે કેમ ? સુવિધાઓ નથી તો ત્યાં કેવી રીતે સુવિધા પૂરી કરવી? તેમજ સ્થાનિક ગ્રામ પંચાયત કે તલાટી યોગ્ય સુવિધાઓ ન આપતા હોય તો તેની ખાસ ચકાસણી કરવા ડી.ડી.ઓ.એ જિલ્લા પંચાયતના દરેક વિભાગના વર્ગ ૧ અને ૨ અધિકારીઓની ૨૪ ટીમો બનાવી છે. આ અધિકારીઓ દરેક બે ગામોની વિઝીટ કરશે. તે દરમિયાન ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને ફરજિયાત હાજર રહેવાનું રહેશે જો હાજર નહી હોય તો તેમની સામે ખાતાકીય કાર્યવાહી થશે. આ અધિકારીઓની ટીમ જે તે ગામડાઓમાં જઈ શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્રો, પશુપાલન તેમજ બાંધકામ શાખાના કામો તેમજ તળાવ સહિતના કામોનું મોનીટંરીગ કરશે. આ ઉપરાંત તમામ ગ્રામ પંચાયતની બહાર મેડિકલ ઓફિસર, દવાખાના, ગ્રામ સેવા, તલાટી, આરોગ્ય સેવક સહિતના ગામલોકોની સુવિધાને લગતા તમામના નંબરો મુકવામાં આવશે. પશુપાલન સહિતના અધિકારીઓની લોકોને ઝડપથી સેવા મળી જાય તેવા પ્રયાસો કરાશે. આ અધિકારીઓ ફોન ન ઉપાડે તો ટીડીઓના નંબર જાહેર કરાયા છે. એ કામગીરીનો અહેવાલ ડી.ડી.ઓને સોંપવાનો રહેશે. જો અધિકારીઓની ગામડામાં મુલાકાત દરમિયાન કોઈ ખામી નજર આવશે તો તેની ઘટતી કાર્યવાહી કરાશે અને સુવિધાઓ પુરી કરવા માટે તમામ પ્રયાસો કરાશે. જેથી ગામડાઓમાં લોકોને પૂરતી અને યોગ્ય સેવાઓ મળી રહેશે તેમ ડી.ડી.ઓ. ડી.ડી.જાડેજા એ જણાવ્યું હતું.