એચ.એ કોલેજમાં મહર્ષિ અરવિંદ વિશે વક્તવ્ય યોજાયુ
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ દ્વારા “મહર્ષિ અરવિંદની રાષ્ટ્રભક્તિ” વિષય ઉપર ગુજરાતના જાણીતા વક્તા ડો.જ્યોતીબેન થાનકીએ વક્તવ્ય આપ્યુ હતુ. શ્રી અરવિંદ સ્વાતંત્ર્યસેનાની, ફીલોસોફર, યોગી તથા રીફોર્મર તરીકે યોગદાન આપ્યું છે. ઈંગ્લેંડમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યા છતા સરકારી નોકરી નહી કરવાના નિર્ણય સાથે દેશને આઝાદ કરવાની નેમ લીધી હતી. અસાધારણ પ્રતિભા ધરાવતા શ્રી અરવિંદને આધ્યાત્મિક ચેતનાનો અનુભવ થયા પછી પોતાનું સમગ્ર જીવન માનવજીવનના કલ્યાણ માટે આપી દે છે. ભારત આત્મનિર્ભર બને તથા સ્વદેશી અપનાવવાનો વિચાર સૌ પ્રથમ શ્રી અરવિંદે આપ્યો હતો.
કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે શ્રી અરવિંદ બરોડામાં રહીને શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત વિવિધ સમાચારપત્રોમાં દેશની આઝાદી મેળવવાના વિચારો વ્યક્ત કરતા લખાણો પણ પ્રસિધ્ધ કર્યા હતા. આઝાદીની ચળવળ દરમ્યાન પોતાની સક્રીય ભૂમિકાથી તેમની ધરપકડ થવાથી જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો.અખંડ આઝાદ ભારતની કલ્પના કરવા વાળા શ્રી અરવિંદે આધ્યાત્મિક ઉન્નતીના માર્ગે પોતાનું શેષ જીવન વીતાવ્યુ હતુ. આ કાર્યક્રમમાં પ્રમોદ શાહ, જીગીશા પટેલ તથા શ્રી અરવિંદના અનુયાઈઓ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રા મહેશ સોનારાએ કર્યુ હતુ .