– બે લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા, જ્યારે આધેડ મહિલાનું સારવાર માટે લઇ જવાતા રસ્તામાં મોત નિપજ્યું
@sachin pithva, surendranagar
પાટડી તાલુકાના બજાણા પુલ પાસે રીક્ષા અને સ્વીફ્ટ ગાડી વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પીપળીના આધેડ દંપતિ સહિત ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા. જેમાં બે લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા, જ્યારે આધેડ મહિલાનું સારવાર માટે લઇ જવાતા રસ્તામાં મોત નિપજ્યું હતુ.
પાટડી અને બજાણા વચ્ચે આવેલા પુલ પાસે રીક્ષા અને સ્વિફ્ટ ગાડી વચ્ચે રવિવારે મોડી સાજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષાનું ઘટનાસ્થળે જ પડીકું વળી ગયું હતુ. જેમાં રીક્ષામાં કુલ પાંચ લોકો સવાર હતા. અને રીક્ષામાં સવાર પાંચેય મુસાફરોને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેઓને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે તાત્કાલિક સારવાર માટે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જેમાં રીક્ષા ચાલક બજાણાના જાવેદભાઈ રહીમભાઈ બારૈયાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતુ. જ્યારે રીક્ષામાં સવાર પીપળી ગામના બાલાભાઈ મોતીભાઈ વાણીયાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતુ. જ્યારે એમના પત્નિ પરેમબેન બાલાભાઇ વાણીયાને ગંભીર ઇજાઓ પહોંચતા વિરમગામ હોસ્પિટલેથી વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલે લઇ જવાતા રસ્તામાં જ એમનું પણ પ્રાણપખેરૂ ઉડી ગયું હતુ. ત્યારે પાટડીના પીપળી ગામના ગામના આધેડ દંપતિનું અકસ્માતે એકસાથે મોત નિપજતા ગામમાં સન્નાટો છવાઇ ગયો હતો. અને પાટડી બજાણા હાઇવે ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. બજાણા પોલીસે નાસી છૂટેલા કાર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી એને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ એસ.પી.ઝાલા ચલાવી રહ્યાં છે.