વિસનગર તાલુકાના કાંસા રામપુરા વળવાના રસ્તે આઇવા ચાલકે પુરઝડપે આવી મોટર સાઇકલ ને ટક્કર મારતા મોટર સાઇકલ પર સવાર બે યુવકોને ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન એક યુવકનું મોત નિપજ્યું હતું જ્યારે બીજો યુવક સારવાર હેઠળ છે. જેથી આ બનાવ અંગે મૃતક યુવકના ભાઈએ વિસનગર શહેર પોલીસ મથકમાં આઇવા ચાલક વિરૂધ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિસનગર તાલુકાના ઇયાસરા ગામના મહેશજી અજમલજી ઠાકોર અને ઠાકોર સંજયસિંહ નાગરજી મોટર સાઈકલ પર હતા તે દરમિયાન કાંસા રામપુરા વળવાના રસ્તે આઇવા ચાલક નંબર આર.જે.09.જી.બી.6557 ના ચાલકે પૂરઝડપે આવી ટક્કર મારતા બન્ને યુવકોને ગંભીર ઇજાઓ પહોચતા 108 મારફતે સારવાર અર્થે વિસનગર નૂતન જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ઠાકોર મહેશજી અજમલજીનુ મોત નિપજ્યું હતું અને સંજયસિંહ ને માથાના ભાગે ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ છે. જેથી અકસ્માત કરી મોત નીપજાવનાર ફરાર આઇવા ચાલક વિરૂધ્ધ મૃતકના ભાઇ અજીતજીએ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.