- કોંગ્રેસ ખલાસ થઈ રહી છે જવાબદાર કોણ અને કયા કારણે તે વિચાર માંગી લેતો પ્રશ્ન
- ભરૂચ કોંગ્રેસીઓની ઢીલી અને બેધારી કામગીરી, અહમ, આંતરિક લડાઈઓના ક્લેશના પાપે કોંગ્રેસીઓ હાંસિયામાં ધકેલાયાની અટકળો
- ઇન્ડિયા ગઠબંધન મકકમ રહેતા કેટલાક કોંગ્રેસીઓએ ચૈતર વસાવાને ટેકો જાહેર કર્યો
By: પ્રજ્ઞેશ પાટણવાડીયા, ભરૂચ:
ભરૂચ લોકસભા ૨૦૨૪ ના ભણકારા સાથે જ રાજકીય પાર્ટીઓ દ્વારા ટીકીટ વહેંચણીનો દોર શરૂ થયો છે. ઉમેદવારો અને દાવેદારોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે રાજકીય નેતાઓ પક્ષ બદલવાની ફિરાકમાં ફરતા જોવા મળી રહ્યા છે. આ વખતે ભરૂચનું રાજકરણ કઈ અલગ જ રંગે રંગયું છે. ભાજપના ઉમેદવાર તરીકે ૬ વખત ચૂંટાયેલા મનસુખભાઈ વસાવા પર મોડવી મંડળે ફરીથી વિશ્વાસ મૂકી ૭ મી વખત ટીકીટ આપી છે. જેથી કેટલાક વર્ષોથી લોકસભા લડવાની ઈચ્છાઓ ધરાવતા નેતાઓએ હજુપણ રાહ જોવી પડશે તેમ દેખાઈ રહ્યું છે. આ વખતે ભાજપમાં પણ ઘણા નક્કર દાવેદાર હતા અને ચર્ચાયું પણ હતું કે આ વખતે મનસુખભાઈનું પત્તુ કપાશે અને નવા ચહેરાનું નામ જાહેર થશે પણ ૬ વખત એકધારું ચૂંટાઈ આવેલ મનસુખભાઈનો વિકલ્પ મોવડી મંડળને નજરે ચઢ્યો નહિ એટલે આખાબોલા મનસુખ વસાવા ફરીથી પ્રજાનો વિશ્વાસ વોટ રૂપે મેળવવા કામે લાગી ચુક્યા છે. ત્યારે મનસુખ વસાવા ૬ ટર્મમાં કરેલ પોતના કામો પર વોટ માંગશે કે પછી કેન્દ્ર સરકારની કામગીરી પર તે જોવું રહ્યું.
બીજી તરફ વર્ષોથી એટલે કે દેશ આઝાદ થયો ત્યારથી ગુજરાત અને દેશમાં ભરૂચનું કોંગ્રેસનું મોટું સ્થાન રહ્યું છે. દિલ્હી કોંગ્રેસના દિગગજ નેતા તરીકે ઉભરી આવેલ સ્વ.એહમદ પટેલ એટલે કે બાબુભાઇનું નામ દેશભરમાં તેમની રાજકીય રણનીતિઓ અને ઉદ્યોગ જગતના તાર જોડવાના સેતુ તરીકે કહેવાય છે. તેઓની હયાતીમાં તેમના દીકરા દીકરી રાજકીય ચક્રવ્યૂહમાં નહિ આવે તેમ કહેવાતું હતું. જોકે કોરોનાકાળમાં તેમના દેહાંત બાદ ભરૂચ કોંગ્રેસ ધીમીગતિએ નામશેષ રહેવાના આરે આવી હોય તેમ દેખાતું હતું. સ્વ.એહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલ ધીમીગતિએ રાજકીય રીતે સક્રિય બનવાનું શરૂ કર્યું અને લોકો વચ્ચે વિશ્વાસ મેળવવાની કામગીરી શરૂ કરી. દીકરા ફૈઝલ પટેલએ પણ લોકસભા સમયે ‘હું તો લડીશ’ની મુહિમ શરૂ કરી પણ ઇન્ડીયા એલાયન્સ સંગઠને સ્વ.એહમદ પટેલના દીકરા દીકરી કરતા પણ વધારે નવયુવાન અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર વધારે વિશ્વાસ મુક્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામ સાથે ભરૂચ કોંગ્રેસીઓએ જબરો વિરોધ નોંધાવ્યો, ઉપર સુધી સીધી અને આડકતરી રીતે રજૂઆતો પણ કરી હતી. સ્થાનિક નેતાગીરીએ પ્રેસ કોંફરન્સમાં જણાવ્યું હતું કે ચૈતર વસાવા કોંગ્રેસના સિમ્બોલ પર લડે. પણ ઇન્ડિયા એલાયન્સએ કોંગ્રેસીઓની વાતનો છેડ ઉડાડી દીધો હતો.
ભરૂચ કોંગ્રેસમાં બગાવતના સુર ઉભા થયા છે જેમાં કેટલાક નેતાઓ પક્ષ પલટો કરી કોંગ્રેસની વિચારધારાને અલવિદા કહી અન્ય રાજકીય વિચારોના ખેસ ધારણ કરશે તો કેટલાક કોંગ્રેસીઓ અપક્ષ ઉમેદવારી નોંધાવવા કામે લાગી ચુક્યા છે. જોકે આ બધા વચ્ચે કેટલાક કોંગ્રેસીઓએ ઇન્ડિયા એલાયન્સન ગઠબંધનના નિર્ણયને વધાવી તેઓ ચૈતર વસાવાને ટેકો આપવાની જાહેરાત કરી દીધી છે. ચૈતર વસાવા હાલ તો પૂર્વ પટ્ટી એટલે કે આદિવાસી વિસ્તારમાં યુવા નેતા તરીકે સારો પ્રતિસાદ મેળવી રહ્યા છે.
પૂર્વપટ્ટીના કદાવર નેતા ગણાતા છોટુભાઈ વસાવાના દીકરા મહેશ વસાવા પોતાની ટીમ સાથે થોડા દિવસ પહેલા ભાજપના રાજય પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની શુભેચ્છા મુલાકત લઈ આદિવાસી પટ્ટીમાં રાજકીય ગળમાવો ભરી દીધો છે. ભાજપ અને આર.એસ.એસ.ના વિરોધી ગણાતા પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી કદાવર નેતા છોટુ વસાવાના દીકરા પોતે હવે ભાજપનો કેસરિયો ધારણ કરશે તેવી અટકળો બાબતે તેઓ પોતાના દીકરાની વિચારધારા પર સંકોચ વ્યક્ત કરી ચુક્યા છે. ત્યારે આવનાર સમયે બાપ અને દીકરો અને તેમની ટિમો એકબીજાની વિચારધારા વિરુદ્ધ પ્રજા વચ્ચે પહોંચી વોટ માંગતા નજરે ચઢે તો નવાઈ નહિ.
બીજી તરફ કોંગ્રેસના નેતાઓના અશાંતોષી જીવ, અહમ, આંતરિક દખાઓ, એકબીજાનો છેડ ઉડાડવાની લાલસા એટલે કે ‘હું નહિ તો કોઈ નહિ’ ની વિચારધારા, વિરોધપક્ષ તરીકે ઢીલી અને ધીમી કામગીરી, જિલ્લાભરની પ્રજાનો વિશ્વાસ કેળવવામાં અસફળતા, હોદ્દા મેળવવાની જીદ, સહિતના ઢગલેબંધ કારણોને લઈ ભરૂચ કોંગ્રેસ ખતમ થવાના આરે આવી હોવાની લોકચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.
ઇન્ડિયા એલાયન્સ ગઠબંધન સ્વ.એહમદ પટેલના દીકરા અને દીકરી તેમજ ભરૂચ કોંગ્રેસના નેતાઓને મનાવવા અને સમજાવવાના હાલ તો પ્રયત્નો કરી રહી છે, ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસી નારાજ નેતાઓ ઇન્ડિયા ગઠબંધનને માન આપી આમ આદમી પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કરશે કે અન્ય પાર્ટીનો ખેસ ધારણ કરી પોતાની વિચારધારા છોડી અન્ય ઉમેદવાર માટે પ્રચાર કરશે…