રેડિયો/વિવિધ ભારતીના સૌથી પ્રખ્યાત એન્કર અને ટોક શોના હોસ્ટ અમીન સયાનીનું નિધન થયું છે. અમીન સયાનીનું ગઈકાલે એટલે કે મંગળવારે સાંજે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેઓ 91 વર્ષના હતા. અમીન સયાનીના પુત્ર રાજિલ સયાનીએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી. અમીન સયાનીના નિધનના સમાચારથી તેમના ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
સ્વર્ગસ્થ અમીન સયાનીના પુત્રના જણાવ્યા અનુસાર અમીન સયાનીને મંગળવારે સાંજે 6.00 વાગ્યે દક્ષિણ મુંબઈમાં તેમના ઘરે હાર્ટ એટેક આવ્યો હતો.હાર્ટ એટેક આવ્યા બાદ તેમના પુત્ર રાજીલ તરત જ તેમને દક્ષિણ મુંબઈમાં રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબોએ ટૂંક સમયમાં જ તેમને મૃત જાહેર કર્યા હતા.
અમીન સયાનીને હાઈ બ્લડ પ્રેશર અને વય સંબંધિત અન્ય બિમારીઓ હતી અને તેઓ છેલ્લા 12 વર્ષથી કમરના દુખાવાથી પણ પીડાતા હતા અને તેથી જ તેમને ચાલવા માટે વોકરનો ઉપયોગ કરવો પડતો હતો.
લગભગ 42 વર્ષ સુધી રેડિયો સિલોન અને ત્યારબાદ વિવિધ ભારતી પર ચાલતા તેમના હિન્દી ગીતોના કાર્યક્રમ ‘બિનાકા ગીતમાલા’એ સફળતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. લોકો દર અઠવાડિયે તેમને સાંભળવા ઉત્સુક હતા.અમીન સયાનીના નામે સૌથી વધુ 54000 રેડિયો પ્રોગ્રામ નિર્માણ/વોઈસઓવરનો રેકોર્ડ છે. લગભગ 19,000 જિંગલ્સ માટે અવાજ આપવા બદલ અમીન સયાનીનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલું છે.
તેમણે ભૂત બંગલા, તીન દેવિયાં, કતલ જેવી ફિલ્મોમાં પણ પોતાનો અવાજ આપ્યો હતો. તેમનો સ્ટાર આધારિત રેડિયો શો ‘એસ કુમારકા ફિલ્મી મુકદ્દમા’ પણ ઘણો લોકપ્રિય સાબિત થયો હતો. અમીન સયાનીના અંતિમ સંસ્કાર આવતીકાલે દક્ષિણ મુંબઈમાં થવાની સંભાવના છે.