@પરેશ પરમાર અમરેલી
અમરેલી શહેરમાં આવેલ ભારત સરકારના સસ્તા અનાજ સપ્લાય કરવા માટેના 2 ગોડાઉનમાં શંકાસ્પદ અનાજની સીટી પોલીસને માહિતી મળતા તાત્કાલિક અમરેલી ઇન્ચાર્જ મામલતદાર હિરેન મકાણીની ટીમને જાણ કરતા ટીમ દોડી ગઈ અને બંને ગોડાઉનમાં રૂ.5 લાખ ઉપરાંતનો જથો સિઝ કરી દીધો છે અને કેટલાક મહત્વના સેમ્પલ પણ લેવાયા છે. જેમાં ક્યાઝભાઈ ફારૂકભાઈ રાઠોડ,સમીરભાઈ આમદભાઇ બીલખિયાના કબ્જામાંથી ચોખા 4916 કિલો,ઘઉં 1989 કિલો જથો મળી આવ્યો હતો બંને સરકારી ગોડાઉનના બિલ્ડીંગ હાલમાં મામલતદારની ટીમ દ્વારા સિઝ કરી દેવાયા છે અનાજના નમૂના લઈ ચકાસણી માટે લેબમાં મોકલવામાં આવ્યા છે તેના રિપોટ બાદ આગળની મોટી કાર્યવાહી આવતા દિવસોમાં થઈ શકે છે.
શંકાસ્પદ અનાજના જથ્થાને લઈ પુરવઠા વિભાગ તપાસમાં જોડાશે
શંકાસ્પદ એટલા મોટા અનાજના જથ્થાને લઈ હવે જિલ્લા પુરવઠા વિભાગની ટીમ આ તપાસમા જોડાશે ઇન્ચાર્જ મામલતદાર દ્વારા પુરવઠા વિભાગને રિપોટ કરશે. અમરેલી ઇન્ચાર્જ મામલતદાર હિરેન મકાણીએ જણાવ્યું સીટી પોલીસએ શંકાસ્પદ અનાજના જથાની અમને જાણ કરતા અમારી અને પુરવઠા વિભાગની ટીમ સાથે તપાસ કરતા શંકાસ્પદ જથ્થો જોવા મળતા અલગ અલગ બે જગ્યા ઉપર સીલ મારવા માટેની કાર્યવાહી હાલ કરી છે હાલ આ મામલે તપાસ ચાલુ છે.
સસ્તા દુકાનદારો દ્વારા અનાજ મામલે ભૂતકાળમાં બારોબાર વહેચી સંગેવગે કરવાની અનેક વખત ઘટનાઓ બની ચુકી છે. અનાજના મોટા કૌભાંડ પણ અમરેલી સહિત અનેક વિસ્તારમાં થયા હતા ખાંભા રાજુલા વિસ્તારમાં ભૂતકાળમાં પુરવઠા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. બોગસ કાર્ડ સહિત કેટલીક વખત અનેક લોકોના નામે બારોબાર અનાજ વેચાયું હોવાનું પણ ખુલ્યું હતું ત્યારે ફરીવાર શંકાસ્પદ અનાજના ગોડાઉન સિઝ કર્યા છે.