@મોહસીન દાલ, ગોધરા
આજરોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩નો શુભારંભ થયો છે.આ શ્રેણીમાં પંચમહાલ જિલ્લામાં ૧૫૨ રૂટો પર વિવિધ મહાનુભાવો દ્વારા આંગણવાડી, બાલવાટિકા અને શાળાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
જિલ્લાના મોરવા હડફ તાલુકાની સાલીઆ પ્રાથમિક શાળા ખાતેથી પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને બાલવાટિકામાં ૨૭ અને ધોરણ ૧માં ૦૬ ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.કલેકટર અને મહાનુભાવોના વરદ્દ હસ્તે બાળકોને કીટ આપી ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય અને પ્રાર્થના થકી કરાઈ હતી.
શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૩ના શુભારંભ પ્રસંગે કલેકટર એ ભૂલકાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, નાના ભૂલાકાઓને પાયાનું શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી બને છે જેની શરુઆત ઘર અને આંગણવાડીથી કરાય છે ત્યારે આંગણવાડી માં બાળકોને પોષણક્ષમ આહાર મળી રહેવો જોઈએ. દરેક બાળકમાં ક્ષમતા રહેલી હોય છે તેને યોગ્ય વાતવરણ મળી રહે તો આવતીકાલ તેના અને સમાજ માટે સોનેરી બને છે.શિક્ષણ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને દરેક બાળક પ્રગતિના પંથ સર કરે તેવી શુભેચ્છાઓ જિલ્લા કલેકટરે બાળકોને પાઠવી હતી.
જિલ્લા કલેકટરએ શાળાના વર્ગખંડોનું નિરીક્ષણ કર્યુ હતું. વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું તથા એસ.એમ.સી કમિટીના સભ્યો સાથે બેઠક પણ યોજીને જરૂરી સલાહ સૂચનો કર્યા હતા.
આ પ્રસંગે આઈ.સી.ડી.એસ પ્રોગ્રામ ઓફીસર રમીલાબેન ચૌધરી, ગામના સરપંચ, એસ.એમ.સી સમિતિના સભ્યો સહિત ગ્રામ્ય લોકો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.