સમાજમાં ઘણા બધા લગ્નો એવા પણ હોય છે જેને સમાજ દ્વારા માન્યતા પ્રાપ્ત નથી હોતી. જેમ કે લિવ ઈન રિલેશન જેવા સંબંધો. અથવા એક પત્નીની હયાતીમાં બીજી સ્ત્રી સાથે લગ્ન. આવા સંબંધોમાં યુવતી ગર્ભવતી બને છે અને બાળકને જન્મ પણ આપે છે. પરંતુ સમાજ આવા બાળકનો સ્વીકાર કરતું નથી. અનેક કિસ્સામાં બાળકનો પિતા પણ પોતાની સામાજિક અને નૈતિક જવાબદારીમાંથી પીછેહઠ કરે છે અને બાળકને અપનાવવવાથી ઇન્કાર કરે છે ત્યારે આ બાળક અને તેની માતાની હાલત બહુ કપરી બની જાય છે.
જો કે હાલમાં જ સુપ્રીમ કોર્ટે આવા અમાન્ય કે ગેરકાયદે લગ્ન અથવા સંબંધોમાંથી જન્મેલા બાળકો માટે કોર્ટે સ્પષ્ટ ચુકાદો આપ્યો છે, ખાસ કરીને બાળકના જીવન અને ઓળખને લગતા ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય પણ આ ચુકાદો બહુ મહત્ત્વનો છે. લગભગ 13 વર્ષ જૂની અરજી પર પોતાનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રદબાતલ અથવા અમાન્ય જાહેર કરાયેલા લગ્નમાંથી જન્મેલા બાળકને પણ કાયદેસર ગણવામાં આવશે.
આવા સંજોગોમાં દીકરીઓ પણ મિલકતમાં સમાન હકદાર હશે.
હિંદુ લગ્ન અધિનિયમ 16(2) મુજબ, રદબાતલ લગ્નના કિસ્સામાં લગ્ન રદ કરતા પહેલા જન્મેલા બાળકને પણ કાનૂની અધિકારો છે. કોર્ટે કહ્યું કે કોઈપણ અમાન્ય લગ્નથી જન્મેલા બાળકોને તેમના માતા-પિતાની હસ્તગત અને પૂર્વજોની સંપત્તિમાં અધિકાર હશે. આવા સંજોગોમાં દીકરીઓ પણ મિલકતમાં સમાન હકદાર હશે. જોકે, આ નિર્ણય હિંદુ મિતાક્ષર કાયદા હેઠળ હિંદુ પરિવારોની મિલકતોને જ લાગુ પડશે.
લગ્નને લઈને સામાજિક પરંપરા અને કાયદાકીય સત્તામાં ઘણી જટિલતા છે
ભારતમાં લગ્નની કાનૂની વ્યવસ્થામાં, બીજા લગ્ન અને પ્રથમ પત્નીથી જન્મેલા બાળક અને તેના કાનૂની અધિકારો અંગેના સામાન્ય સામાજિક દૃષ્ટિકોણ અંગે એક જટિલ પરંપરા જાળવી રાખવામાં આવી છે. અત્યાર સુધી પ્રચલિત પ્રણાલીમાં પરિણીત પુરુષના અન્ય સ્ત્રી સાથે લગ્નને કાનૂની દરજ્જો આપવામાં આવતો નથી. આ રીતે, લોકો આવા સંબંધોમાં જન્મેલા બાળક વિશે ઘણી ખોટી માન્યતાઓનો શિકાર પણ બને છે. સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં બાળકને ‘ગેરકાનૂની’ કહેવામાં આવે છે.
આવા સંબંધોથી જન્મેલા બાળકની પીડા તે બાળક જ સમજી શકે છે. જે પીડા બાળક ભોગવે છે તેના માટે બાળક કયારેય જવાબદાર નથી, તેના વિશે લોકોનો અભિપ્રાય અત્યંત અસંવેદનશીલ અને તેના અસ્તિત્વને નકારી કાઢતો જોવા મળે છે. ‘ગેરકાયદેસર’ હોવાનો આરોપ અને તેની સાથે જોડાયેલી ઓળખ અત્યંત અપમાનજનક અને પીડાદાયક છે, જે વ્યક્તિના કુદરતી જીવનને ખલેલ પહોંચાડે છે. તેથી, સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયનું મહત્વ એ છે કે તે સામાન્ય સમાજમાં પ્રવર્તતી માન્યતાને તોડવામાં મદદ કરશે
આ ઉપરાંત સમાજ અને કાયદાની નજરમાં અમાન્ય એવા લગ્નમાં જન્મેલા બાળકના હક્કો, આવા બાળકને પિતાની મિલકતમાં હિસ્સો મળવો જોઈએ કે નહીં તે અંગે પણ જટિલ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અત્યાર સુધી આ મુદ્દા પર સવાલો ઉઠતા રહ્યા છે કે જ્યારે કોઈ ખાસ સંજોગો સિવાય કોઈ પુરુષના બીજા લગ્નને માન્યતા નથી મળતી, તો પછી તેનાથી જન્મેલા બાળકને કુટુંબની મિલકતમાં ભાગ લેવાનો અધિકાર કેવી રીતે હોઈ શકે? પરંતુ આ પાસા પર, કોર્ટે હવે સ્થિતિ સ્પષ્ટ કરી છે કે જ્યારે અમાન્ય લગ્નથી જન્મેલું બાળક ‘ગેરકાનૂની’ નથી, તો તેને પણ તેના પિતાની સંપત્તિમાં ભાગ મળવો જોઈએ.
કાયદાકીય અને સામાજિક દૃષ્ટિકોણથી અમાન્ય લગ્નોને મંજૂરી ન આપવાની વ્યવસ્થા હોવા છતાં, આવા સંબંધમાં બાળકનો જન્મ ‘ગેરકાયદેસર’ ગણવો જોઈએ નહીં અને માતાપિતા-બાળકના સંબંધથી સ્વતંત્ર રીતે જોવું જોઈએ. આ માત્ર માનવીય મૂલ્યોના દૃષ્ટિકોણથી જ જરૂરી નહોતું, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે તેને કાયદાકીય આધાર પર સિસ્ટમનું સ્વરૂપ પણ આપી દીધું છે.