@Rutul Prajapati, Arvalli
Aevalliમાં ફિલ્મી સ્ટોરી જેવી ઘટના સામે આવી છે. પ્રેમ પ્રકરણમાં 32 વર્ષીય યુવકની હત્યા(murder) કરવામાં આવી હતી. શામળાજીના રાવતાવાડા ગામની સીમમાં પરણિત મહિલા સાથે પ્રેમસંબંધ ચાલુ રાખવા બાબતે યુવકની હત્યા કરાઈ હતી. મહિલાના પૂર્વ પ્રેમીએ બાઈક લઇને જઈ રહેલા પતિદેવનું મોત નિપજાવ્યું હતું.
ગુજરાત-રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં ઘટના બની હતી. મહિલાના પતિની બાઈકને પૂર્વપ્રેમીએ ઇકો કાર વડે પાછળથી ટક્કર મારી હતી. બાઈક સવાર પતિ રોડ પર પટકાયા બાદ પૂર્વપ્રેમીએ ઇકો કાર રિવર્સ લાવી બે વખત ઉપર ચઢાવી દઈ મોત નીપજાવ્યું હતું.
એક ટક્કરથી શ્વાસ ન ગયા તો…
અરવલ્લીમાં પ્રેમ પ્રકરણમાં એક 32 વર્ષના પ્રકાશ માવજીભાઈ ડામોર નામના યુવકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. શામળાજીના રાવતાવાડા ગામની સીમમાં એક અકસ્માતની ઘટના બની હતી. જોકે આ અકસ્માતમાં પ્રેમ પ્રકરણને કારણે હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો કે પરણિત મહિલા સાથેના પ્રેમ સંબંધ ચાલુ રાખવાને લઈને આ વ્યક્તિના બાઈકને પાછળથી કારથી ટક્કર મારીને તેની હત્યા કરવામાં આવી છે. ગુજરાત અને રાજસ્થાનના બોર્ડર વિસ્તારમાં આ અકસ્માત કરવામાં આવ્યો હતો. મહિલાના પૂર્વ પ્રેમી ઈશ્વરએ બાઈક લઈને જતા મહિલાના પતિ પ્રકાશને પાછળથી કારથી ટક્કર મારી હતી.
ઈકો કાર સાથે પ્રેમી મહિલાના પતિના બાઈકનો પીછો કરી રહ્યો હતો. દરમિયાન રાવતાવાડા ગામની સીમમાં બાઈક સવાર પતિને પૂર્વ પ્રેમીએ ઈકો કાર વડે પાછળથી ટક્કર મારી હતી. જોકે એક ટક્કરે પણ પ્રકાશના શ્વાસ ચાલી રહ્યા હોઈ શકે છે. જેને કારણે પૂર્વ પ્રેમીએ ઈકો કાર રિવર્સ કરી અને બે વખત તેના પર ફેરવી કાઢી. જેમાં ગંભીર ઈજાઓ થતા પ્રકાશનું સ્થળ પર જ મોત થયું હતું. મામલાની જાણકારી મળતા શામળાજી પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.
મૃતક ભિલોડા તાલુકાના ચૂનાખણ ગામનો 32 વર્ષીય પ્રકાશભાઈ માવજીભાઈ ડામોર હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ફરાર આરોપીની ઇકો કારને જપ્ત કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. શમાળાજી પોલીસે આરોપી ઈશ્વર તરાર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.