- તિલક લગાવી, ફૂલ આપી વિદ્યાર્થીઓનું સ્વાગત થતા પરિક્ષાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો
By: પ્રજ્ઞેશ પાટણવાડીયા, ભરૂચ
રાજ્યમાં ગત સોમવારથી બોર્ડની પરીક્ષા એટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ-૧૦ અને ૧૨ સામાન્ય–વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. ભરૂચ જિલ્લામાં બોર્ડ પરીક્ષા માટે ધો.૧૦ નાં ૮૨ બિલ્ડીંગમાં ૨૩,૩૮૪ વિદ્યાર્થીઓ, ધો.૧૨ સામાન્ય પ્રવાહની ૩૧ બિલ્ડીંગમાં ૯,૫૫૨ વિદ્યાર્થીઓ તેમજ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની ૧૯ બિલ્ડીંગમાં ૩,૮૨૦ વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં સંપૂર્ણ સુચારૂ રીતે યોજાય અને વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષામાં ભાગ લે અને પરીક્ષાઓ શાંતિમય તણાવમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. સવારે ધોરણ ૧૦ ના તમામ વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતાં. જ્યાં તેઓને દરેક પરિક્ષા કેન્દ્રો પર હાજર જિલ્લા ક્લેક્ટર, જિલ્લા શિક્ષણાધિકારી સહિતના મહાનુભાવો એ કુમકુમ તિલક સાથે ચોકલેટ અને ગુલાબ આપી આવકાર્યા હતા. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલ સહિતના અધિકારીઓએ જીએનએફસી નર્મદા વિદ્યાલય ખાતે પહોંચી વિદ્યાર્થીઓને ગુલાબ આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
બોર્ડની આ જાહેર પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ- સુરક્ષાપ્રદાન,વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને CCTVનું સતત મોનિટરિંગ, આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓ ની ખાસ તકેદારી રાખવામાં આવી છે. બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્લોકમાં CCTV કેમેરા લગાડવામાં આવેલા છે. જેથી ગેરરીતિ કરનાર કે કરાવનાર કોઇપણ વ્યકિત કેમેરામાં નજર કેદ થશે અને કેમેરાના ફુટેજના આધારે આવી વ્યકિતઓ સામે નિયમાનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં, પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી કોઈ જરૂરિયાત જણાય તો પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ દવાઓનો પૂરતો જથ્થો પણ પરીક્ષા કેન્દ્રો ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.. ભરૃચ શહેર જિલ્લા માં શાંતિપૂર્ણ માહોલ માં અને ઉત્સહસભર વાતાવરણ માં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો હતો. ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે બોર્ડની પરીક્ષા આપનાર તમામ પરિક્ષાર્થીઓ માટે સીટીબસમાં મુસાફરી નિઃશુલ્ક રહેશે. પરિક્ષાર્થી બસ કન્ડક્ટરને પોતાની હૉલ ટીકીટ બતાવી નિઃશુલ્ક મુસાફરી કરી શકશે.