પરશોત્તમ રૂપાલાની ક્ષત્રિયો અંગે ટિપ્પણીનો વિવાદ હવે કચ્છના છેવાડાના અબડાસા સુધી પહોંચ્યો છે. મોથાળા ગામે ભાજપના સાંસદ અને ઉમેદવાર વિનોદ ચાવડા સ્થાનિક ભાજપી ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજા સાથે પ્રચારાર્થે ગયા હતા. પરંતુ, “ભાજપના નેતાઓ-કાર્યકરોને પ્રવેશબંધી’ના બેનરો લાગ્યા બાદ ભાજપી ઉમેદવારના પ્રવાસ દરમિયાન રૂપાલા હાય.. હાય..ના નારા લગાવી પ્રચાર કરવા દીધો નહોતો. આખરે બંનેએ પ્રચાર કર્યા વિના પાછા ફરવું પડ્યું હતું.
મોથાળા ગામમાં ક્ષત્રિયોની વસતી વિશેષ પ્રમાણમાં છે અને રૂપાલાને બદલવામાં ન આવતા ભાજપ સામે રોષ વ્યક્ત કરાયો હતો. બીજી બાજુ વાંકુ ગામે પણ ભાજપના નેતાઓએ પ્રવેશવું નહીં તેવા બેનરો લગાવાયા હતા. બેનરો ઉતારી લેવા માટે ક્ષત્રિય ધારાસભ્યોએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાંય સફળતા મળી નહોતી.