ભાજપે લોકસભા ચૂંટણી માટે આજે તેની પાંચમી યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતની છ બેઠકો માટે પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે જેમાં સાબરકાંઠા બેઠક ઉપર ભીખાજી ડામોરે ચૂંટણી લડવાની મનાઈ કરતા તેમના સ્થાને પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ના પત્ની શોભનાબેન બારૈયા ને ટિકિટ આપવામાં આવી છે.
લોકસભા ચૂંટણી-2024 માટે ભાજપે ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપે પહેલા 15 અને બાદમાં 7 એમ 22 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા હતા અને 4 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાના બાકી હતા. જાહેર થયેલા 22 ઉમેદવારોમાંથી વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. ભાજપે વડોદરા અને સાબરકાંઠા સહિત બાકી રહેલી 4 બેઠકો અમરેલી, મહેસાણા, જુનાગઢ અને સુરેન્દ્રનગર એમ 6 બેઠકો પર આજે 24 માર્ચે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
6 બેઠકો પર જાહેર થયેલા ઉમેદવાર
અમરેલી – ભરતભાઈ મનુભાઈ સુતરીયા
જૂનાગઢ – રાજેશ ચુડાસમા
મહેસાણા – હરિભાઈ પટેલ
સુરેન્દ્રનગર – ચંદુભાઈ છગનભાઈ શિહોરા
સાબરકાંઠા – શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા
વડોદરા – હેમાંગ યોગેશચંદ્ર જોષી
આ 6 બેઠકોમાં માત્ર જૂનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમાને ફરી ટિકિટ આપવામાં આવી છે, બાકીની 5 બેઠકો પણ નવા ચહેરા છે. ભાજપે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે.